રોનાલ્ડોએ રોમાંચિત કર્યા, મેસી મૅચ જીત્યો

21 January, 2023 11:02 PM IST  |  saudi Arabia | Gujarati Mid-day Correspondent

રિયાધમાં ૯ ગોલના થ્રિલરમાં મેસીની ટીમની ૫-૪થી જીત ઃ મૅચ પછી રોનાલ્ડોએ ઇન્સ્ટા પર લખ્યું, ‘જૂના મિત્રોને મળીને બહુ આનંદ થયો’

ગુરુવારે રિયાધમાં એક્ઝિબિશન મૅચ દરમ્યાન રોનાલ્ડો અને મેસી. મૅચ પહેલાં બન્ને સુપરસ્ટાર્સે એકમેક સાથે હાથ મિલાવ્યા હતા અને ભેટ્યા પણ હતા. એ.એફ.પી.

સાઉદી અરેબિયાના રિયાધમાં ગુરુવારે ફુટબૉલના બે સુપરસ્ટાર અને બીજા સિતારાઓ વચ્ચે એક્ઝિબિશન મૅચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓ માટે તો મૅચના પરિણામનું મહત્ત્વ નહોતું, પણ પ્રેક્ષકો અને કરોડો દર્શકોએ ખૂબ મોજ માણી.
વર્લ્ડ કપના સુપરહીરો લિયોનેલ મેસી અને યુવા વર્ગના લાડલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચે ફુટબૉલ મૅચમાં જોરદાર ટક્કર થઈ હતી. મેસીના સુકાનમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) અને રોનાલ્ડોએ તાજેતરમાં જ જેની સાથે અંદાજે ૧૭૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે એ સાઉદીની અલ નાસર ટીમ સાથે સંકળાયેલી રિયાધ ઑલ-સ્ટાર ઇલેવન વચ્ચે રમાયેલી આ મૅચમાં પીએસજીએ ૫-૪થી વિજય મેળવ્યો હતો. રોનાલ્ડોએ આ મુકાબલા પછી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘ફરી મેદાન પર આવી ગયો છું, ખૂબ ખુશ છું. ગોલ કરવા બદલ સ્કોર-શીટમાં પણ ચમકી ગયો એનો પણ બેહદ આનંદ છે. જૂના મિત્રોને મળીને પણ મારા આનંદનો કોઈ પાર નહોતો.’
બીજી જ મિનિટમાં મેસીનો ગોલ
મેસીએ બીજી જ મિનિટમાં પહેલો ગોલ કરીને પીએસજીને સરસાઈ અપાવી હતી. ૩૪મી મિનિટમાં રોનાલ્ડોના ગોલથી રિયાધની ટીમે સ્કોર ૧-૧થી લેવલ કર્યો હતો. આઠ જ મિનિટ બાદ માર્કિન્હૉસના ગોલથી પીએસજીએ ૨-૧થી લીડ 
લીધી હતી, પરંતુ રોનાલ્ડો ફર્સ્ટ હાફમાં ત્રાટક્યો હતો અને સ્કોર ૨-૨થી બરાબરીમાં આવી ગયો હતો.
રોનાલ્ડોની હૅટ-ટ્રિક નહીં

આ પણ વાંચો: લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આમને-સામને, બિગ બી પણ પહોંચ્યા મેચ જોવા

રોનાલ્ડો સાઉદી અરેબિયા આવ્યો ત્યાર પછીની પહેલી જ મૅચમાં તેના ગોલની હૅટ-ટ્રિક જોવા મળશે એવી ફુટબૉલચાહકોની ધારણા હતી, પરંતુ એકાદ કલાકની રમત બાદ તેને પાછો બોલાવી લેવામાં આવ્યો હતો અને તેના સ્થાને સબસ્ટિટ્યૂટને મોકલવામાં આવ્યો હતો. ૫૩મી મિનિટમાં સર્જિયો રામોસના ગોલે પીએસજીને ૩-૨થી સરસાઈ અપાવી, પણ ત્રણ મિનિટ બાદ હેઑન સૂ જૅન્ગના ગોલે રિયાધને ૩-૩ની બરાબરી અપાવી હતી. ૬૦મી મિનિટમાં વર્લ્ડ કપનો ફ્રેન્સ સુપરસ્ટાર કીલિયાન ઍમ્બપ્પેએ પણ કમાલ દેખાડી હતી અને પીએસજીને ૪-૩થી આગળ કરી દીધું હતું. 
મેસી-ઍમ્બપ્પે પણ પાછા આવ્યા
૬૨મી મિનિટમાં સ્કોર પીએસજીની ફેવરમાં ૪-૩ હતો ત્યારે મેસી અને ઍમ્બપ્પે બન્નેને પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. જોકે બ્રાઝિલ-સ્ટાર નેમાર પીએસજીની ટીમમાં હતો. એ સાથે, મેસી-રોનાલ્ડોના એક્ઝિબિશન પર પડદો પડ્યો હતો. ૭૮મી મિનિટમાં હુગો એકિટિકેના ગોલ સાથે પીએસજીની ટીમ ૫-૩થી આગળ થઈ હતી અને છેલ્લે ૯૦ મિનિટના ફુલ ટાઇમ પછીની ચોથી મિનિટમાં રિયાધના ઍન્ડરસન તાલુસ્કાના ગોલથી સ્કોર પીએસજીની તરફેણમાં ૫-૪થી થયો હતો અને બીજી જ મિનિટે વ્હીસલ વાગતાં મૅચ પૂરી થઈ હતી.

બૉલીવુડના શહેનશાહ મળ્યા ફુટબૉલ જગતના બે બાદશાહને ઃ


ગુરુવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં રિયાધ સીઝન કપની એક્ઝિબિશન મૅચ પહેલાં અમિતાભ બચ્ચન લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મળ્યા હતા અને તેમની સાથેની આ મુલાકાતનો વિડિયો શૅર કર્યો હતો. અમિતાભે બન્ને સુપરસ્ટાર્સને શાનદાર કરીઅર બદલ અભિનંદન આપ્યા હતા અને પ્રદર્શનીય મૅચ વિશે શુભેચ્છા આપી હતી. ખાસ કરીને બિગ બીએ આર્જેન્ટિનાને વર્લ્ડ કપનું ચૅમ્પિયન બનાવવા બદલ મેસીને કૉન્ગ્રેચ્યુલેશન્સ કહ્યા હતા. આ ગેમનું ઉદ્ઘાટન કરવા માટે અમિતાભ બચ્ચનને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. અમિતાભ બીજા અનેક પ્લેયર્સને પણ મળ્યા હતા. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘એક અદ્ભુત સાંજ રિયાધમાં માણી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, એમબપ્પે, નેમાર એ બધા એકસાથે રમ્યા હતા અને આ ગેમના ઉદ્ઘાટન માટે મને ખાસ બોલાવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે હાજર રહેવાનો મને અવસર મળ્યો હતો.’

sports news football amitabh bachchan lionel messi cristiano ronaldo