મૅન્ચેસ્ટર સિટીની સતત નવમી જીત

28 December, 2021 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં છેલ્લા અઢી મહિનામાં કોરોનાને કારણે કુલ 15 મૅચો રદ થઈ છે.

મૅન્ચેસ્ટરમાં રવિવારે નંબર વન ટીમ મૅન્ચેસ્ટર સિટીના જર્મન ખેલાડી એલ્કે ગન્ડોવાને બૉલ પર કબજો કરવાના પ્રયાસમાં લેસ્ટર સિટીના યૉરી ટાઇલેમૅન્સ સાથેની ટક્કરને લીધે નીચે પછડાવું પડ્યું હતું. (તસવીર : એ.પી./પી.ટી.આઇ.)

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ) ફુટબૉલ સ્પર્ધામાં રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટીએ લેસ્ટર સિટીને ૬-૩થી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા તથા ત્રીજા નંબરની ટીમો અનુક્રમે લિવરપુલ તથા ચેલ્સી સાથેનો તફાવત વધારીને ૬ પૉઇન્ટનો કર્યો હતો. મૅન્ચેસ્ટર સિટીની આ લાગલગાટ નવમી જીત હતી. મૅન્ચેસ્ટર સિટીના ૪૭ સામે આ બન્ને ટીમના ૪૧-૪૧ પૉઇન્ટ છે. ચોથા નંબરે આર્સેનલના ૩૫ પૉઇન્ટ છે.
૦-૪થી પાછળ રહ્યા પછી ત્રણ ગોલ
મૅન્ચેસ્ટર સિટીએ પહેલી પચીસ મિનિટમાં ચાર ગોલ કરીને મૅચમાં વર્ચસ સ્થાપી દીધું હતું અને તોતિંગ માર્જિનથી જીતશે એવું લાગતું હતું, પરંતુ બીજા હાફમાં લેસ્ટરે માત્ર ૧૦ મિનિટમાં ત્રણ ગોલ નોંધાવતાં મૅચમાં ફરી રોમાંચ જાગ્યો હતો. જોકે મૅન્ચેસ્ટરે બીજા બે ગોલથી છેવટે ૬-૪થી જીત મેળવી હતી. મૅન્ચેસ્ટર વતી રહીમ સ્ટર્લિંગે સૌથી વધુ બે ગોલ કર્યા હતા.
જીત્યા હોવા છતાં ચેલ્સીની ફરિયાદ
ચેલ્સીએ રવિવારે એસ્ટન વિલાને ૩-૧થી પરાજિત કરી એને પગલે ચેલ્સીના કોવિડની મહામારીની વધુ અસર પામેલી બીજા નંબરની ટીમ લિવરપુલ જેટલા ૪૧ પૉઇન્ટ થઈ ગયા છે. ચેલ્સી વતી જૉર્ગિન્હોએ બે ગોલ કર્યા હતા, જ્યારે રૉમેલુ લુકાકુએ સપ્ટેમ્બર મહિના પછીનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. ચેલ્સીના હેડ-કોચ તોમસ ટુચલે પ્રીમિયર લીગના શેડ્યુલને ‘અવ્યવહારું’ ગણાવતાં કહ્યું છે કે ‘અમારી ટીમના ઘણા ખેલાડીઓ હમણાં ઈજાને કારણે રમી શકતા ન હોવાથી અમારી ટીમ સંઘર્ષ કરી રહી છે એવામાં અમારે મહિનામાં કુલ ૮ મૅચ રમવી પડી છે. અમારે એવી ટીમો સામે રમવું પડે છે જે ટીમો તેમની મોકૂફ મૅચો પછી પૂરી ફિટ થઈને મેદાન પર ઊતરતી હોય છે.’
આર્સેનલનો ૫-૦થી વિજય
ઈપીએલમાં રવિવારે ચોથા નંબરની આર્સેનલે છેલ્લા ક્રમની નોર્વિચ સિટીને ૫-૦થી હરાવી હતી. બુકાયો સાકાએ બે ગોલ કર્યા હતા. અન્ય મૅચોમાં ટૉટનહૅમે ક્રિસ્ટલ પૅલેસને ૩-૦થી, સધમ્પ્ટને વેસ્ટ હૅમને ૩-૨થી અને બ્રાઇટને બ્રેડફર્ડની ટીમને ૨-૦થી હરાવી હતી.

sports sports news football manchester city