18 July, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે ફુટબૉલ વર્લ્ડ કપમાં ત્રીજા નંબરે રહેવા ઇંગ્લૅન્ડ- ફ્રાન્સ વચ્ચે ટક્કર
અમેરિકાના માયામી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર ૧૯ જુલાઈની શરૂઆતમાં ૨.૩૦ વાગ્યે ફુટબૉલ વર્લ્ડ કપની ત્રીજા ક્રમ માટેની મૅચ રમાશે. સેમી-ફાઇનલમાં સ્પેન સામે હારનાર ફ્રાન્સ અને આર્જેન્ટિના સામે હારનાર ઇંગ્લૅન્ડ આ મૅચ જીતીને ઘરવાપસી કરવાનો ટાર્ગેટ રાખશે.
ફ્રાન્સ ચોથી વખત થર્ડ પ્લેસ માટેની મૅચ રમવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રાન્સ અગાઉ ૧૯૫૮માં જર્મની અને ૧૯૮૬માં બેલ્જિયમ સામે ત્રીજા ક્રમ માટેની મૅચ જીત્યું હતું, જ્યારે ૧૯૮૨માં પોલૅન્ડ સામે હારી ગયું હતું. ઇંગ્લેન્ડ ત્રીજી વખત ત્રીજા ક્રમ માટેની મૅચ રમશે. એ અગાઉ ૧૯૯૦માં ઇટલી અને ૨૦૧૮માં બેલ્જિયમ સામે થર્ડ પ્લેસ માટેની મૅચ હારી ગયું હતું.
ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ અત્યાર સુધી ૩૨ વખત એકબીજા સામે ટકરાયાં છે. ઇંગ્લૅન્ડ ૧૭ વખત અને ફ્રાન્સ ૧૦ વખત જીત્યું છે જ્યારે પાંચ મૅચ ડ્રૉ રહી હતી. વર્લ્ડ કપમાં આ બન્ને ટીમની ત્રણ ટક્કર થઈ છે. ૧૯૯૭માં ઇંગ્લૅન્ડે ગ્રુપ-સ્ટેજમાં મૅચ ૨-૦થી જીત નોંધાવી હતી. ૧૯૮૨માં ઇંગ્લૅન્ડે ૩-૧થી જીત મેળવી હતી. છેલ્લે બન્નેની ટક્કર ૨૦૨૨ના વર્લ્ડ કપમાં થઈ હતી જેમાં ફ્રાન્સે ૨-૧થી જીત મેળવી હતી.
આ વર્ષના આંકડા અનુસાર ટોટલ ૨૦૨૬ રિંગ્સ બનાવવામાં આવશે જેમાં દરેકમાં એક અનોખો નંબર હશે. આમાંથી ૩૦ રિંગ્સ ચૅમ્પિયન ટીમ માટે નિયુક્ત કરવામાં આવી છે જ્યારે ૧૯૯૬ વિશ્વભરના ચાહકો માટે ઉપલબ્ધ રહેશે. રિંગ્સમાં એક બાજુ વર્લ્ડ કપ ટ્રોફી અને બીજી બાજુ વિજેતા ટીમ માટે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન હશે.
બ્રાઝિલના સ્ટાર પેલેની ૧૯૫૮ના વર્લ્ડ કપ ફાઇનલની જર્સી ૪૭ કરોડમાં વેચાઈ
૧૯૫૮ના વર્લ્ડ કપ ફાઇનલમાં બ્રાઝિલના સ્ટાર ખેલાડી પેલે દ્વારા પહેરવામાં આવેલી ૧૦ નંબરની જર્સી ૪.૯ મિલ્યન ડૉલર એટલે કે ૪૭ કરોડ રૂપિયામાં ઑક્શનમાં વેચાઈ છે. ૧૭ વર્ષના પેલેએ એ મૅચમાં બે ગોલ કર્યા હતા જેના કારણે બ્રાઝિલે યજમાન સ્વીડન સામે ૫-૨થી જીત નોંધાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો.
ઑક્શનમાં વેચાઈ હોય એવી આ બીજી સૌથી મોંઘી ફુટબૉલ જર્સી હતી. અગાઉ આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા પ્લેયર ડીએગો મૅરડૉનાની ૧૯૮૬ની ઇંગ્લૅન્ડ સામેની મૅચની જર્સી ૨૦૨૨માં ૯.૩ મિલ્યન ડોલરમાં વેચાઈ હતી. આ મૅચમાં તેણે એક ગોલ કરવામાં હાથનો ઉપયોગ કર્યો હતો અને રેફરી સહિત આખી દુનિયાને મૅચ બાદ એની જાણ થઈ હતી. આ ગોલને તેણે હૅન્ડ ઑફ ગૉડ ગણાવ્યો હતો.