ડોર્ટમન્ડનો ૧૮ મિનિટમાં ત્રણ ગોલથી નાટ્યાત્મક વિજય

10 January, 2022 02:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બન્ડસલીગામાં ટોચની ટીમો વચ્ચે રસાકસી : લા લીગામાં બે પ્લેયરના બે-બે ગોલથી મૅડ્રિડની જીત

મેક્સિકોમાં શનિવારે મેક્સિકન ક્લોસુરા ફુટબૉલ ટુર્નામેન્ટની મૅચ દરમ્યાન બૉલ પર કબજો કરવાની હોડમાં ટિયુઆના અને ક્રુઝ ઍઇઝલ ટીમના ખેલાડીઓ.

જર્મનીની બન્ડસલીગા ફુટબૉલ લીગમાં ટોચના સ્થાનની બે ટીમો વચ્ચે જોરદાર રસાકસી જામી છે. બોરુશિયા ડોર્ટમન્ડે શનિવારે બર્લિનમાં આઇનથ્રાથ ફ્રૅન્કફર્ટ ક્લબની ટીમને ૩-૨થી હરાવી હતી. ૭૧મી મિનિટ સુધી ડોર્ટમન્ડ ૦-૨થી પાછળ હતી, પણ ૭૧થી ૮૯ મિનિટ વચ્ચે ત્રણ ગોલ કરીને ત્રણ ગોલકર્તાઓએ ડોર્ટમન્ડને રોમાંચક વિજય અપાવ્યો હતો. ૭૧મી મિનિટે થોર્ગન હેઝાર્ડે ટીમ વતી પહેલો ગોલ નોંધાવ્યા બાદ ૮૭થી ૮૯મી મિનિટ વચ્ચે (ત્રણ મિનિટમાં) બે ગોલ થયા હતા, જે અનુક્રમે જુડ બેલિંગમ અને માહમૂદ ડાહુડે કર્યા હતા.
આ જીત સાથે ડોર્ટમન્ડે (૩૭) પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાની ટીમ બાયર્ન (૪૩) સાથેનો તફાવત ઘટાડીને ૬નો કરી નાખ્યો છે. મોખરાની બાયર્નની શુક્રવારે ઘરઆંગણે ૧૧મા નંબરની બોરુશિયા મૉન્ખનગ્લાટબાખ સામે ૧-૨થી હાર થતાં એની પ્રગતિ અટકી ગઈ હતી.
રિયલ મૅડ્રિડની ૪-૧થી જીત
સ્પેનની લા લીગા લીગમાં શનિવારે મોખરાની ટીમ રિયલ મૅડ્રિડે વૅલેન્સિયાને ૪-૧થી હરાવીને મોખરાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. આ જીત સાથે હવે મૅડ્રિડના ૪૯ પૉઇન્ટ સામે બીજા નંબરની સવિલાના ૪૧ પૉઇન્ટ છે. મૅડ્રિડ વતી કરીમ બેન્ઝેમા (૪૩મી, ૮૮મી મિનિટ) અને વિની જુનિયરે (૫૨મી, ૬૧મી મિનિટ) બે-બે ગોલ કર્યા હતા.
એક ખેલાડીને રેડ કાર્ડ મળતાં ૧૦ પ્લેયરોથી રમતા બાર્સેલોના અને ગ્રેનેડા વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. ગ્રેનેડાના ઍન્ટોનિયો પ્વેરટાસે ૮૯મી મિનિટે ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબર કરી નાખ્યો હતો.
લેન્સ ૮૯મી મિનિટના ગોલથી વિજયી
ફ્રાન્સની લીગ-૧માં શનિવારે વેસ્લી સેઇડે ૮૯મી મિનિટે મૅચનો એકમાત્ર ગોલ કરીને લેન્સને રેન સામે ૧-૦થી એક્સાઇટિંગ જીત અપાવી હતી. સેઇડ માત્ર ૨૦ મિનિટ જ મેદાન પર હતો અને એમાં તેણે વિજયી ગોલ નોંધાવ્યો હતો.

3704 - કુલ આટલા ગોલ ૨૦૨૧માં યુરોપની પાંચ મોટી ફુટબૉલ લીગ સ્પર્ધાઓમાં રમાયેલી કુલ ૩૯૦૨ મૅચમાં થયા હતા.

sports sports news football