રોનાલ્ડો ૮૦૦ ગોલ કરનારો વિશ્વનો પ્રથમ : ટાર્ગેટ ૧૦૦૦

04 December, 2021 10:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તે ૩૬ વર્ષનો છે અને ૪૦ વર્ષની ઉંમર સુધી રમવા માગે છે એ જોતાં તે નિવૃત્તિ સુધી પોતાના ગોલનો આંક ૧૦૦૦ સુધી પહોંચાડશે એવી ધારણા છે

રોનાલ્ડોએ ગઈ કાલે મૅન્ચેસ્ટરમાં કરીઅરનો ૮૦૦મો ગોલ ઊંચો કૂદકો મારીને સેલિબ્રેટ કર્યો હતો. તેણે પછી ૮૦૧મો ગોલ પણ કર્યો હતો. (તસવીર : એ.એફ.પી.)

પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્લબ-સ્તરીય અને આંતરરાષ્ટ્રીય કરીઅરની સત્તાવાર મૅચમાં કુલ મળીને ૮૦૦ ગોલ કરનારો ફુટબૉલ વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે શુક્રવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) વતી આર્સેનલ સામે રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. તે ૩૬ વર્ષનો છે અને ૪૦ વર્ષની ઉંમર સુધી રમવા માગે છે એ જોતાં તે નિવૃત્તિ સુધી પોતાના ગોલનો આંક ૧૦૦૦ સુધી પહોંચાડશે એવી ધારણા છે. તેણે ઑક્ટોબર ૨૦૧૯માં ૭૦૦મો ગોલ કર્યો હતો. એ પહેલાં જૂન ૨૦૧૭માં તે ૬૦૦ના અને સપ્ટેમ્બર ૨૦૧૫માં ૫૦૦ના આંક સુધી પહોંચ્યો હતો. સામાન્ય રીતે તેણે ૧૦૦ ગોલ સરેરાશ બે વર્ષમાં કર્યા છે.
રોનાલ્ડોનો ૮૦૦મો, ૮૦૧મો ગોલ
એમયુએ આર્સેનલની ટીમને ૩-૨થી હરાવી હતી. એમયુ વતી ૪૪મી મિનિટમાં બ્રુનો ફર્નાન્ડિસે પહેલો ગોલ કર્યા બાદ બાવનમી મિનિટે રોનાલ્ડોએ જે ગોલ કર્યો એ તેનો ૮૦૦મો ગોલ હતો. ત્યાર પછી તેણે ૭૦મી મિનિટે પેનલ્ટીમાં ફરી જે ગોલ કર્યો એ તેનો ૮૦૧મો ગોલ હતો. આર્સેનલ વતી ૧૩મી મિનિટે એમીલ સ્મિથ રોવે અને ૫૪મી મિનિટે માર્ટિન ઓડેગાર્ડે ગોલ કર્યો હતો.
એમયુ પૉઇન્ટ્સ-ટેબલમાં છેક સાતમા અને આર્સેનલ પાંચમા નંબરે છે. ચેલ્સી મોખરે છે. શુક્રવારની બીજી મૅચમાં ટૉટનહૅમે બ્રેન્ટફર્ડને ૨-૦થી હરાવી હતી. એ અગાઉ, ઍસ્ટન વિલા સામે મૅન્ચેસ્ટર સિટીની ૨-૧થી અને એવર્ટન સામે લિવરપુલની ૪-૧થી જીત થઈ હતી.

રોનાલ્ડોના ગોલની આંકડાબાજી
કોના વતી?    મૅચ    ગોલ
સ્પોર્ટિંગ સીપી    ૩૧    ૫
એમયુ (અગાઉ)    ૨૯૨    ૧૧૮
રિયલ મૅડ્રિડ    ૪૩૮    ૪૫૦
યુવેન્ટ્સ    ૧૩૪    ૧૦૧
એમયુ (હવે)    ૧૬    ૧૨
પોર્ટુગલ    ૧૮૪    ૧૧૫
કુલ    ૧૦૯૫    ૮૦૧
નોંધ ઃ રોનાલ્ડોનો કરીઅર રેશિયો = ૧.૩૬ મૅચદીઠ ૧ ગોલ

sports sports news football cristiano ronaldo