ચેલ્સીની સીઝનમાં ત્રીજી વાર પેનલ્ટી શૂટઆઉટમાં જીત

28 October, 2021 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્સેનલનો આસાન વિજય

ચેલ્સીની સીઝનમાં ત્રીજી વાર પેનલ્ટી શૂટઆઉટમાં જીત

ઇંગ્લિશ ફુટબૉલ લીગ (ઈએફએલ) કપ તરીકે ઓળખાતી ઇંગ્લૅન્ડની સ્પર્ધામાં પણ અન્ય મોટી ટુર્નામેન્ટોની જેમ રોમાંચક મુકાબલા થઈ રહ્યા છે. મંગળવારે ચેલ્સીએ સીઝનમાં ત્રીજી વાર પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી હતી. એણે સાઉધમ્પ્ટન સામેની મૅચ ૧-૧થી ડ્રૉ રહ્યા બાદ પેનલ્ટીમાં ૪-૩થી અને ખાસ કરીને રીસ જેમ્સની સફળ કિકથી વિજય મેળવ્યો હતો.
અન્ય એક મૅચમાં આર્સેનલે આસાન જીત મેળવી હતી જેમાં એણે લીડ્સ યુનાઇટેડને ૨-૦થી પરાજિત કર્યું હતું. એમાં એક ગોલ કૅલમ ચૅમ્બર્સે અને બીજો ગોલ એડી ઍન્કેટિયાએ કર્યો હતો.
સબસ્ટિટ્યૂટના બે ગોલથી જીત્યા
બર્લિનના જર્મન કપમાં મંગળવારે બૉરુસિયા ડૉર્ટમન્ડે ઇન્ગોલસ્ટેટની ટીમને ૨-૦થી પરાજિત કરી હતી. બન્ને ગોલ સબસ્ટિટ્યૂટ થૉર્ગન હૅઝર્ડે કર્યા હતા. તેણે એ બન્ને ગોલ ૭૨મી અને ૮૧મી મિનિટમાં કર્યા હતા.
મિલાને ટૉરિનોને ૧-૦થી હરાવ્યું
ઇટાલીની સેરી-એ ટુર્નામેન્ટમાં મંગળવારે એસી મિલાન ટીમે ટૉરિનોની ટીમને ૧-૦થી હરાવીને જરૂરી ૩ પૉઇન્ટ મેળવી લીધા હતા. મૅચનો એક માત્ર ગોલ ઑલિવિયર ગિરૉડે ૧૪મી મિનિટમાં કર્યો હતો ત્યાર પછી એક પણ ગોલ ન થતાં મિલાને ટૉરિનોની ટફ ટીમને હરાવી હતી.

sports news sports football