૨૦ ‘શૉટ્સ ઑન ટાર્ગેટ’ : ગોલકીપરે ૧૯ ગોલ થતા રોક્યા!

29 August, 2022 01:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોકે બોરુશિયાની ટીમ બાયર્નને ૧-૧ના ડ્રૉથી રોકી ન શકી

મૉન્ખનગ્લાટબાખ ટીમના ગોલકીપર યાન સૉમર

જર્મનીની બન્ડસલીગા લીગ ફુટબૉલ ટુર્નામેન્ટમાં શનિવારે બોરુશિયા મૉન્ખનગ્લાટબાખ ટીમના ગોલકીપર યાન સૉમરે બાયર્ન મ્યુનિક સામેની મૅચમાં ૧૯ વખત ગોલ થતો રોકીને આ સ્પર્ધામાં નવો વિક્રમ રચ્યો હતો. તેણે બાયર્ન સામે ૧૪ વાર ગોલ રોકનાર હૅમ્બર્ગના ઍલેક્ઝાંડર સ્ક્વૉલૉનો વિક્રમ તોડ્યો હતો. ટૂંકમાં, શનિવારની મૅચમાં બાયર્નની ટીમના ૨૦ ‘શૉટ્સ ઑન ટાર્ગેટ’ હતા, પણ સૉમરે ૧૯ શૉટ્સ રોક્યા હોવાથી બાયર્નનો એક જ ગોલ થઈ શક્યો હતો. બોરુશિયાના થુર્રમના ૪૩મી મિનિટના ગોલ બાદ બાયર્ને સૅડ્યા મેનેના ૮૩મી મિનિટના ગોલની મદદથી મૅચ ૧-૧થી ડ્રૉ કરી હતી.

સૅડ્યો મેનેએ ૧૫ વખત બૉલને ગોલપોસ્ટમાં પધરાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાંથી એક જ વખત (૮૩મી મિનિટમાં) તેને સફળતા મળી હતી.

03
પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટીના એર્લિંગ હાલૅન્ડે શનિવારે ક્રિસ્ટલ પૅલેસ ટીમ સામે ઉપરાઉપરી આટલા ગોલ કરતાં સિટીનો ૪-૨થી વિજય થયો હતો.

લિવરપુલે ૯-૦ના પ્રીમિયર લીગ રેકૉર્ડની બરાબરી કરી

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં ૧૯૯૫થી ૨૦૨૧ સુધીમાં બે વાર અલગ-અલગ ટીમ સામે ૯-૦થી વિજય મેળવ્યાનો વર્લ્ડ રેકૉર્ડ મૅન્ચેસ્ટર યુનાઇટેડ સામે હતો, પણ હવે લિવરપુલ ક્લબની ટીમ પણ એ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ છે. લિવરપુલે શનિવારે બૉર્નમાઉથ ક્લબની ટીમને ૯-૦થી હરાવીને યુનાઇટેડના વિશ્વવિક્રમની બરાબરી કરી હતી.

ઈપીએલના પૉઇન્ટ્સ ટેબલમાં લિવરપુલ આઠમા નંબર પર અને બૉર્નમાઉથ ૧૬મા નંબર પર છે. લિવરપુલ વતી છ પ્લેયરે ગોલ કર્યા હતા અને એક ઑન ગોલ (સેલ્ફ ગોલ) બૉર્નમાઉથના મેફામથી થઈ ગયો હતો.

sports news sports football bundesliga