15 September, 2026 06:03 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
એશિયન ગેમ્સ 2026 (સૌજન્ય: મિડ-ડે)
Asian Games 2026 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. 19 સપ્ટેમ્બરથી જાપાનના આઈચી-નાગોયામાં ભારતના 503 ખેલાડીઓ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. ભારત આ વખતે કુલ 35 રમતોમાં ભાગ લઈ રહ્યું છે. આ રમતોમાં દેશના ઘણા જાણીતા ખેલાડીઓ પણ પોતાની તાકાત બતાવવા તૈયાર છે. ભારતને કેટલીક રમતોમાં મેડલની સૌથી વધુ આશા છે. ચાલો જાણીએ એવી પાંચ રમતો વિશે જેમાં ભારતીય ખેલાડીઓ મેડલ અપાવી શકે છે.
એશિયન ગેમ્સમાં ભારતનો સૌથી સારો રેકોર્ડ ઍથ્લેટિક્સમાં (Athletics) રહ્યો છે. અત્યાર સુધી ભારતે આ રમતમાં 85 સુવર્ણ, 102 રજત અને 96 કાંસ્ય સહિત કુલ 283 મેડલ જીત્યા છે.આ વખતે નીરજ ચોપરા રમવાનો નથી, છતાં ભારત પાસે મેડલના ઘણા દાવેદારો છે. મુરલી શ્રીશંકર, ગુલવીર સિંહ, અવિનાશ સાબળે, તજિન્દરપાલ સિંહ, પારુલ ચૌધરી, રાજેશ રમેશ અને રોહિત યાદવ પાસેથી સારા પ્રદર્શનની આશા છે.
ઍથ્લેટિક્સ પછી શૂટિંગમાં (shooting) ભારતે સૌથી વધુ મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં આ રમતમાં અત્યાર સુધી 16 સુવર્ણ, 30 રજત અને 34 કાંસ્ય સહિત કુલ 80 મેડલ છે. પાછલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શૂટિંગમાં 22 મેડલ જીત્યા હતા. મનુ ભાકર આ વખતે ભારતની મોટી આશા હતી, પરંતુ હવે તે ટીમનો ભાગ નથી. ઈશા સિંહ, ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, આર્શી ચોક્સે અને સુરુચિ પાસેથી હવે મેડલની આશા રહેશે.
કુસ્તી (wrestling) એવી રમત છે જેમાં ભારતે હંમેશાં સારો દેખાવ કર્યો છે. 2026ની કૉમનવેલ્થ ગેમ્સમાં કુસ્તી રાખવામાં આવી ન હતી, તેથી ભારતીય પહેલવાનો એશિયન ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ આપવા તૈયાર છે. ભારતે અત્યાર સુધી કુસ્તીમાં 11 સુવર્ણ, 15 રજત અને 39 કાંસ્ય સહિત કુલ 65 મેડલ જીત્યા છે. અમન સેહરાવત, અંતિમ પંઘાલ, દીપક પુનિયા, મનીષા અને સુજીત કલકલ પર ખાસ નજર રહેશે.
2026ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બૉક્સરોએ શાનદાર દેખાવ કર્યો હતો. ભારત તરફથી રમવા ગયેલા દરેક બૉક્સરે મેડલ જીત્યો હતો. આ દેખાવ બાદ એશિયન ગેમ્સમાં પણ મેડલની આશા વધી છે. મહિલાઓમાં સાક્ષી ચૌધરી, પ્રીતિ પવાર અને લવલીના બોર્ગોહેન પાસેથી સારા પર્ફોર્મન્સની અપેક્ષા છે. પુરુષોમાં જાદુમણી સિંહ, સચિન સિવાચ, અંકુશ અને નરેન્દ્ર બેર્વાલ મેડલના મોટા દાવેદાર છે.
Asian Games 2026 માં ક્રિકેટ પણ રમાશે. ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો મજબૂત છે અને તાજેતરના પ્રદર્શનને જોતા ક્રિકેટમાં મેડલની આશા ઘણી વધારે છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે તાજેતરમાં એશિયા કપ જીત્યો છે. મહિલા ટીમ 18 સપ્ટેમ્બરે પોતાની પહેલી મેચ રમશે. પુરુષ ટીમ 28 સપ્ટેમ્બરે અભિયાન શરૂ કરશે. પાછલી એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમે સુવર્ણ મેડલ જીત્યો હતો. એટલે આ વખતે પણ ક્રિકેટમાં ભારત પાસેથી ફરી સુવર્ણ મેડલની આશા રાખવામાં આવી રહી છે.
આ એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવાની ઘણી તકો છે. ઍથ્લેટિક્સ, શૂટિંગ, કુસ્તી, બૉક્સિંગ અને ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓ પાસેથી સારા દેખાવની આશા છે. હવે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સ્પર્ધામાં ખેલાડીઓના પ્રદર્શન પર સૌની નજર રહેશે અને દેશવાસીઓને આશા છે કે ભારતીય ખેલાડીઓ વધુ મેડલ સાથે દેશનું નામ ગૌરવથી ઊંચું કરશે.