૧૫ વર્ષનો એથન ન્વાનેરી પ્રીમિયર લીગનો યંગેસ્ટ પ્લેયર

20 September, 2022 12:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઈપીએલના સૌથી યુવાન ખેલાડી ન્વાનેરીની ઉંમર ૧૫ વર્ષ, ૧૮૩ દિવસ છે

એથન ન્વાનેરી

ઇંગ્લૅન્ડનો ૧૫ વર્ષનો ફુટબોલર એથન ન્વાનેરી ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)નો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. રવિવારે બ્રેન્ટફર્ડ સામે આર્સેનલે ૩-૦થી જેમાં વિજય મેળવ્યો હતો એ મૅચમાં ન્વાનેરીએ આ સિદ્ધિ મેળવી હતી. એ મૅચમાં સલિબા, ગૅબ્રિયલ જીસસ અને ફેરેરા વિયેરાએ ગોલ કર્યો હતો. ઈપીએલના સૌથી યુવાન ખેલાડી ન્વાનેરીની ઉંમર ૧૫ વર્ષ, ૧૮૩ દિવસ છે. તેણે લિવરપુલ ક્લબની ટીમના હાવી ઇલિયટનો વિક્રમ તોડ્યો છે. ૨૦૧૯માં ઇલિયટ રેકૉર્ડ વખતે ૧૬ વર્ષ, ૩૦ દિવસનો હતો. ખરેખર તો ન્વાનેરી ઈપીએલમાં રમનારો ૧૬ વર્ષથી ઓછી ઉંમરનો પ્રથમ ખેલાડી છે.

મેસીનો પાંચમી મિનિટનો ગોલ બન્યો મૅચ-વિનિંગ

પૅરિસમાં રવિવારે ફ્રેન્ચ લીગ-1 ટુર્નામેન્ટમાં લાયન સામેની મૅચમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી લિયોનેલ મેસીએ મૅચ શરૂ થયા બાદ પાંચમી જ મિનિટે નેમારની મદદથી જે ગોલ કર્યો હતો એ પછી મૅચમાં બીજો એકેય ગોલ નહોતો થયો અને છેવટે પીએસજી માટે એ મૅચ-વિનિંગ ગોલ બન્યો હતો. મેસીનો નવી સીઝનમાં આ છઠ્ઠો ગોલ હતો. પીએસજી આ સ્પર્ધામાં બાવીસ પૉઇન્ટ સાથે મોખરે છે.

sports news sports english premier league lionel messi football