પ્રીમિયર લીગમાં આર્સેનલનો સીઝનનો સર્વશ્રેષ્ઠ વિજય

24 October, 2021 03:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઍસ્ટન વતી જૅકબ રામસેએ ૮૨મી મિનિટે ગોલ કરીને પરાજયનો માર્જિન થોડો ઘટાડ્યો હતો

મધ્ય ફ્રાન્સમાં સેન્ટ-એટિએન ખાતે ફ્રેન્ચ લીગની મૅચમાં સેન્ટ-અટિએન સામે મૅચનો પ્રથમ ગોલ કર્યા પછી કૂદી પડેલા ઍન્જર્સના ખેલાડી ઇસ્માઇલ ત્રાઓરે (જમણે)ને અભિનંદન આપવા ઍન્જેલો ફુલ્ગિની (ડાબે) પણ કૂદ્યો હતો. જોકે હરીફ ટીમના માઇકલ નેડના છેલ્લી ઘડીના ગોલને કારણે મૅચ છેવટે ૨-૨થી ડ્રૉ થઈ હતી. (તસવીર એ.એફ.પી.)

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં શુક્રવારે આર્સેનલની ટીમે વર્તમાન સીઝનની શ્રેષ્ઠ જીત નોંધાવી હતી, જેમાં એણે ઍસ્ટન વિલાને ૩-૧થી હરાવતાં આર્સેનલની ટીમ ૧૪ પૉઇન્ટ સાથે લિસ્ટમાં નવમા સ્થાને આવી ગઈ છે. આર્સેનલ વતી થૉમસ પાર્ટે (૨૩મી મિનિટે), પિયેર-એમરિક ઑબામેયાન્ગ (૫૧મી મિનિટે) અને એમિલ સ્મિથ રૉવે (૫૬મી મિનિટે) ગોલ કર્યો હતો. ઍસ્ટન વતી જૅકબ રામસેએ ૮૨મી મિનિટે ગોલ કરીને પરાજયનો માર્જિન થોડો ઘટાડ્યો હતો.

અન્ય સ્પર્ધાઓમાં શું બન્યું?

સ્પેનની લા લીગામાં ગ્રેનેડાના સબસ્ટિટ્યુટ એન્જલ મૉન્ટોરોએ ૯૦મી મિનિટે ગોલ-પોસ્ટથી ખૂબ દૂરના એરિયામાંથી ગોલ કરીને મૅચને ૧-૧થી ડ્રૉ કરાવી ઑસેસુનાની ટીમને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે જતી રોકી હતી.

ફ્રેન્ચ લીગમાં સેન્ટ-એટિઅએની ટીમને માઇકલ નેડે ફુલ ઇન્જરી-ટાઇમમાં એક ગોલ અપાવીને ઍન્ગર્સ સામેની મૅચ ૨-૨થી ડ્રૉ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઇટલીની સેરી-એ સ્પર્ધામાં ટૉરિનોએ હરીફ ટીમ જેનોઆના મોડેથી થયેલા બે ગોલ છતાં છેવટે એની સામે ૩-૨થી વિજય મેળવવામાં સફળતા મેળવી હતી. ટૉરિનો વતી ૧૪, ૩૧ અને ૭૭મી મિનિટે ગોલ થયા હતા, જ્યારે જેનોઆ વતી ૬૯ અને ૮૦મી મિનિટે ગોલ નોંધાયા હતા.

sports sports news football