17 September, 2025 10:13 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
આનંદકુમાર
ચીનમાં ચાલી રહેલી સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડી આનંદકુમાર વેલકુમારે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. બાવીસ વર્ષનો આનંદકુમાર ૧૦૦૦ મીટર સ્પ્રિન્ટ ૧.૨૪.૯૨૪ના સમય સાથે પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હજી એક દિવસ પહેલાં આનંદકુમારે ૫૦૦ મીટર રેસમાં બ્રૉન્ઝ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો હતો. સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપની સિનિયર ઇવેન્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયામાં આનંદકુમારને તેની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતાં લખ્યું હતું, ‘સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપ 2025માં સિનિયર મેન્સ ૧૦૦૦ મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર આનંદકુમાર વેલકુમાર પર મને ગર્વ છે. તારી ધીરજ, ગતિ અને જુસ્સાએ તને ભારતનો પ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યો છે. તારી આ સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરણા આપશે. અભિનંદન... ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેચ્છા.’
આનંદકુમાર ચેન્નઈની એક એન્જિનિયરિંગ કૉલેજમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. ૨૦૨૧માં જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં ૩૦૦ મીટર ટીમ રિલેમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
આનંદકુમારની આ કમાલ ઉપરાંત આ ઇવેન્ટની જુનિયર સ્પર્ધામાં ભારતનો યંગસ્ટર ક્રિશ શર્મા ૧૦૦૦ મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.