વર્લ્ડ ચૅમ્પિયન રેસલર અંતિમ પંઘાલ અમદાવાદમાં જીતી પ્રથમ ગોલ્ડ

03 October, 2022 12:49 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૮ વર્ષની અંતિમે ફાઇનલમાં મધ્ય પ્રદેશની પ્રિયાંશી પ્રજાપતિને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો.

અંતિમ પંઘાલ

મહિલા કુસ્તીના અન્ડર-20 વર્ગમાં હરિયાણાની અંતિમ પંઘાલ નામની રેસલર વર્લ્ડ ચૅમ્પિયન છે અને તે ગઈ કાલે અમદાવાદમાં ૩૬મી નૅશનલ ગેમ્સમાં ૫૩ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ૧૮ વર્ષની અંતિમે ફાઇનલમાં મધ્ય પ્રદેશની પ્રિયાંશી પ્રજાપતિને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો.

અંતિમની આ પહેલી જ નૅશનલ ગેમ્સ હતી અને એમાં પ્રવેશતાં જ તે ગોલ્ડન ગર્લ બની ગઈ છે. તેનું રાજ્ય હરિયાણા ગઈ કાલે ૧૮ ગોલ્ડ સહિતના કુલ ૩૮ ચંદ્રકો સાથે તમામ રાજ્યોમાં મોખરે હતું.

ગાંધીનગરમાં પૉલ-વૉલ્ટમાં વિક્રમ

ગાંધીનગરમાં પૉલ-વૉલ્ટ (વાંસકૂદકાની હરીફાઈ)માં તામિલનાડુની રોઝી મીના પૉલરાજ ૪.૨૦ મીટરના નવા વિક્રમ સાથે ગોલ્ડ જીતી હતી. સર્વિસિસના તેજિન્દરપાલ સિંહ તૂરે ગોળાફેંકમાં તેમ જ ૪૦૦ મીટર દોડમાં કેરલાના મુહમ્મદ અજમલે નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.

લૉન્ગ જમ્પમાં જેસ્વિસનો વિક્રમ

ગાંધીનગરમાં લાંબા કૂદકાની હરીફાઈમાં તામિલનાડુના જેસ્વિન ઑલ્ડ્રિને ૮.૨૧ મીટરના નવા નૅશનલ રેકૉર્ડ બાદ પર્ફોર્મન્સ સુધારીને ૮.૨૬ મીટરના નવા માર્ક સાથે ગોલ્ડ જીતી લીધો હતો.

sports news sports wrestling ahmedabad