11 December, 2024 10:46 AM IST | London | Gujarati Mid-day Correspondent
ત્રણેય ભાઈઓ સૅમ કરૅન, ટૉમ કરૅન અને બેન કરૅન
ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર ટૉમ અને સૅમ કરૅનનો ભાઈ બેન કરૅન હવે ઝિમ્બાબ્વે તરફથી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ત્રણેય ભાઈઓના પપ્પા કેવિન કરૅન ઝિમ્બાબ્વેના હતા અને ફાસ્ટ બોલર તરીકે ૧૧ વન-ડે આ ટીમ માટે રમ્યા હતા. ૨૦૧૨માં કેવિન કરૅનના નિધન બાદ આખો પરિવાર ઇંગ્લૅન્ડમાં શિફ્ટ થયો હતો.
ત્રણેયમાં ટૉમ (૨૯ વર્ષ) સૌથી મોટો, બેન (૨૮ વર્ષ) વચ્ચેનો અને સૅમ (૨૬ વર્ષ) સૌથી નાનો ભાઈ છે. સૅમ કરૅને ૨૦૧૮માં અને ટૉમ કરૅને ૨૦૧૭માં ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ૨૦૨૨ સુધી ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં નૉર્થેમ્પ્ટનશર માટે રમનાર બેન કરૅનને ઇન્ટરનૅશનલ ડેબ્યુની તક ન મળતાં તેણે ઝિમ્બાબ્વે જવાનું નક્કી કર્યું હતું. ઝિમ્બાબ્વેના ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને તેણે પાકિસ્તાન સામેની મલ્ટિ-ફૉર્મેટ સિરીઝથી વન-ડે સ્ક્વૉડમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. બેનને ૪૫ ફર્સ્ટ ક્લાસ, ૩૬ લિસ્ટ A અને ૩૦ T20 મૅચ રમવાનો અનુભવ છે.