19 December, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્માના કૉમેડી શો શોમાં જોવા મળ્યા ક્રિકેટર્સ
ભારત માટે ૨૦૧૦ના દાયકામાં સાથે રમેલા ૩ ધુરંધર ક્રિકેટર્સ હાલમાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના સેટ પર એકસાથે જોવા મળ્યા હતા. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ, ઑલરાઉન્ડર યુવરાજ સિંહ અને શાનદાર બૅટર મોહમ્મદ કૈફ આ કૉમેડી શોના શૂટિંગ પર પહોંચ્યા હતા. શોના સભ્યો કપિલ શર્મા અને નવજોત સિંહ સિધુ સાથે ત્રણેએ યાદગાર ગ્રુપ-ફોટો પણ પડાવ્યો હતો.
પુણેમાં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની સુપર લીગ રાઉન્ડની છેલ્લી મૅચ બાદ ઓપનર બૅટર યશસ્વી જાયસવાલને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેને પિંપરી-ચિંચવડમાં આવેલી આદિત્ય બિરલા હૉસ્પિટલમાં ચેક-અપ માટે લઈ જવાયો હતો. અહેવાલ અનુસાર આ બૅટરને હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે મુંબઈ આવી ગયો છે. મળી રહેલા અહેવાલ અનુસાર ફૂડ-પૉઇઝનિંગને કારણે તેના પેટમાં દુખાવો ઊપડ્યો હતો. છેલ્લા બે દિવસમાં તેનું બે કિલોથી વધુ વજન ઘટી ગયું છે અને ડૉક્ટરોએ તેને દસેક દિવસ આરામ કરવાની સલાહ આપી છે. સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગશે એવી અપેક્ષા છે. ૨૪ ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હઝારે ટ્રોફીમાં તેના રમવા વિશે શંકા ઊભી થઈ છે.
ભારત અને શ્રીલંકામાં આયોજિત T20 વર્લ્ડ કપ પહેલાં ઇટલી ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર જો બર્ન્સને કૅપ્ટન્સીમાંથી અને ટીમમાંથી કાઢી મૂકવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. એની પાછળનું કારણ કરાર રિન્યુ ન થયો હોવાનું આપવામાં આવ્યું હતું. ૩૬ વર્ષના આ પ્લેયરની કૅપ્ટન્સી હેઠળ ઇટલીએ પહેલી વખત વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી હતી. જોકે તેનું બૅટિંગ-પ્રદર્શન નબળું રહ્યું હતું. ઇટલી ક્રિકેટ ટીમના એક પ્લેયર સાથેની વાતચીત દરમ્યાન જો બર્ન્સે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જેમાં તે કહે છે, ‘તેમનો જવાબ હતો કે મારા વિચારો ઇટાલિયન ક્રિકેટ કરતા ઊંચા હતા. મારા વિશે ઘણી ખોટી અને બદનક્ષીભરી માહિતી ફેલાવવામાં આવી છે. નબળા પ્રદર્શનનાં બહાનાં પણ આપવામાં આવ્યાં છે. હું વર્લ્ડ કપ માટેની અલગ-અલગ સૅલેરી-ઑફર સ્વીકારવા તૈયાર હતો જે મારા પ્રી-ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની સૅલેરી કરતાં ઓછી હતી.’
વન-ડે વર્લ્ડ કપ વિજેતા ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ગઈ કાલે ઉત્તર પ્રદેશના તાજમહલથી રસપ્રદ ફોટો શૅર કર્યા હતા. વર્લ્ડ કપનો પ્લેયર ઑફ ધ સિરીઝ (POTS) અવૉર્ડ અને પપ્પા ભગવાન શર્મા સાથે દીપ્તિ આ વૈશ્વિક અજાયબીની મુલાકાત લેવા પહોંચી હતી. ૨૮ વર્ષની દીપ્તિનો જન્મ આગરામાં જ થયો હતો. તેણે કૅપ્શનમાં ઉલ્લેખ કર્યો કે મેં ભૂતકાળમાં તાજમહલ પાસે જ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો સંકલ્પ લીધો હતો.
ફુટબૉલ-સ્ટાર લીઅનલ મેસીએ પોતાના GOAT ઇન્ડિયા ટૂર દરમ્યાન ફુટબૉલપ્રેમી કુલદીપ યાદવ સહિતના ભારતની અલગ-અલગ રમતના પ્લેયર્સ સાથે અડિડાસ બ્રૅન્ડનું ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં પૅરા-જેવલિન થ્રોઅર સુમિત અંતિલ, પૅરા-હાઈ જમ્પ પ્લેયર નિષાદ કુમાર, મહિલા બૉક્સર નિખત ઝરીન અને મહિલા ક્રિકેટર રેણુકા સિંહ ઠાકુર પણ જોડાઈ હતી. વાઇરલ વિડિયો અનુસાર મેસી દિલ્હીના પુરાણા કિલ્લા પર ફોટોશૂટ દરમ્યાન ભારતીય મેન્સ ક્રિકેટ ટીમની T20 જર્સી પહેરીને આવ્યો હતો.
પ્રિન્સ ઑફ કલકત્તા તરીકે જાણીતો ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં જોડાયો છે. તે ટાઇગર્સ ઑફ કોલકાતાનો મેન્ટર અને સહ-માલિક બન્યો છે. ઍસ્પેક્ટ સ્પોર્ટ્સ સહિત બૉલીવુડ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ આ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટાઇગર્સ ઑફ કોલકાતાનાં માલિક છે. ટીમ સાથે જોડાઈને સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ નવી સફર શરૂ કરવા માટે ઉત્સાહી છું. ટેનિસ બૉલ ક્રિકેટ હંમેશાં રમતના મૂળની નજીક રહ્યું છે. આ પાયો ખાસ કરીને સમગ્ર કલકત્તામાં મજબૂત છે. મારું ધ્યાન આ ખેલાડીઓની કુદરતી વૃત્તિને મૅચ જીતવાની આદતોમાં પરિવર્તિત કરવામાં મદદ કરવા પર રહેશે. વિકાસ માટે સ્પષ્ટતા, વિશ્વાસ અને ધીરજની જરૂર છે અને મને એક એવા સેટઅપનો ભાગ બનવાનો આનંદ છે જે ત્રણેયનું મૂલ્ય ધરાવે છે.’