પાકિસ્તાનના બૅટિંગ કોચપદેથી યુનિસ ખાને આપ્યું રાજીનામું

23 June, 2021 10:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોકે આ મામલે કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી

યુનિસ ખાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન યુનિસ ખાને ગઈ કાલે પાકિસ્તાનના બૅટિંગ કોચપદેથી રાજીનામું આપી દીધું હતું. આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે અનિચ્છાએ, પરંતુ એકમેકની સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આ મામલે કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પાકિસ્તાન ટીમ ૨૫ જૂનથી ૨૦ જુલાઈ સુધી ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ રમવા ઇંગ્લૅન્ડ જવાની છે. ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ આગામી ૨૧ જુલાઈથી ૨૪ ઑગસ્ટ સુધી વેસ્ટ ઇન્ડીઝ જશે અને ત્યાં પાંચ ટી૨૦ અને બે ટેસ્ટ મૅચ રમશે.

ટીમ રવાના થાય એના બે દિવસ પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમ બૅટિંગ-કોચ વગર જ પ્રવાસ કરશે, તો વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે યુનિસ ખાનનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઘોષણા બાદ એવી અટકળો છે કે યુનિસે જાતે જ આ પદ છોડવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તે પોતાની ભૂમિકાથી સંતુષ્ટ નહોતો. તે પસંદગીના મામલે મોટી ભૂમિકા ઇચ્છતો હતો. જે પ્રમાણે નૅશનલ ટીમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહી હતી એનાથી તે સંતુષ્ટ નહોતો. યુનિસ ખાનને ગયા વર્ષે નવેમ્બરમાં ૨૦૨૦ આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ સુધી બે વર્ષના કૉન્ટ્રૅક્ટ પર રાખવામાં આવ્યો હતો.  

sports sports news cricket news pakistan