✕

ન્યુ ઝીલૅન્ડ A - ઇન્ડિયા Aની બીજી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી, યશસ્વીએ ૧૫૫ રન અને યશ રાઠોડે ૧૦૦ રન ફટકાર્યા

04 November, 2026 09:03 AM IST  |  Christchurch | Gujarati Mid-day Correspondent

અંતિમ દિવસે ૩૨-૦ના સ્કોરથી શરૂઆત કરનાર ભારતીય ટીમે શરૂઆતની બે ઓવર્સ (૧૨મી અને ૧૩મી)માં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સાઈ સુદર્શન ૩૪ બૉલમાં ૧૧ રન કરીને કૅચઆઉટ થયો હતો અને દેવદત્ત પડિક્કલ પહેલા જ બૉલે બોલ્ડ થયો હતો.

યશસ્વી જાયસવાલ, યશ રાઠોડ

ન્યુ ઝીલૅન્ડ A અને ઇન્ડિયા Aની ત્રણ મૅચની સિરીઝની સતત બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. ક્રાઇસ્ટચર્ચમાં બીજી મૅચના ચોથા દિવસે ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૫૨.૪  ઓવરમાં ૨૮૨-૨નો સ્કોર કર્યો અને ટી-બ્રેક પછી બન્ને ટીમોએ ડ્રૉ માટે હાથ મિલાવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ભારતે ૩૪૬ રન અને ન્યુ ઝીલૅન્ડે ૪૨૪ રનનો સ્કોર કર્યો હતો. 

અંતિમ દિવસે ૩૨-૦ના સ્કોરથી શરૂઆત કરનાર ભારતીય ટીમે શરૂઆતની બે ઓવર્સ (૧૨મી અને ૧૩મી)માં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સાઈ સુદર્શન ૩૪ બૉલમાં ૧૧ રન કરીને કૅચઆઉટ થયો હતો અને દેવદત્ત પડિક્કલ પહેલા જ બૉલે બોલ્ડ થયો હતો. ન્યુ ઝીલૅન્ડના ૮ બોલિંગ-વિકલ્પોમાંથી માત્ર બે બોલર્સને એક-એક વિકેટ મળી હતી. 

ત્રીજી વિકેટ માટે ૨૪૭ રનની અણનમ ભાગીદારી થઈ હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની છેલ્લી ૪ ઇનિંગ્સમાં ઝીરો, ૧૭ રન, પાંચ રન અને ઝીરોનો સ્કોર કરનાર ઓપનર યશસ્વી જાયસવાલે આ ફૉર્મેટની ૧૮મી સેન્ચુરી નોંધાવી હતી. તેણે ૧૫ ફોર, પાંચ સિક્સની મદદથી ૧૬૨ બૉલમાં અણનમ ૧૫૫ રન કર્યા હતા. ચોથા ક્રમે બૅટિંગ કરીને યશ રાઠોડે ૧૨૨ બૉલમાં ૯ ફોરના સહારે અણનમ ૧૦૦ રન કરીને ૧૨મી ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારી હતી.

yashasvi jaiswal team india new zealand indian cricket team cricket news test cricket sports news sports christchurch