11 June, 2025 07:01 AM IST | London | Gujarati Mid-day Correspondent
લૉર્ડ્સ સ્ટેડિયમની બાલ્કનીમાં ICC ટેસ્ટ-મૅસ સાથે સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા અને ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે કરાવ્યું ફોટોશૂટ.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મૅચ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ અને સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા માટે પણ એક પ્રતિષ્ઠાનો જંગ બનશે. પૅટ કમિન્સ ઑસ્ટ્રેલિયાને બૅક-ટુ-બૅક WTC ચૅમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે, જ્યારે બવુમા ૨૭ વર્ષ પછી આફ્રિકન ટીમને ICC ટાઇટલ જિતાડી આપવાનો ટાર્ગેટ રાખશે.
૨૦૨૧માં ટેસ્ટ-કૅપ્ટન બનનાર પૅટ કમિન્સના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાએ ૩૩માંથી ૨૦ મૅચ જીતી છે. સાત મૅચમાં હાર મળી છે, જ્યારે છ મૅચ ડ્રૉ રહી છે. સાઉથ આફ્રિકા સામે ૨૦૨૨-’૨૩માં કમિન્સે ૩ મૅચની સિરીઝ ૨-૦થી જીતી હતી જેમાં અંતિમ મૅચ ડ્રૉ રહી હતી એટલે કે તે સાઉથ આફ્રિકા સામે કૅપ્ટન તરીકે ક્યારેય નથી હાર્યો. ૩૨ વર્ષના કમિન્સને ૬૭ ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ છે.
૨૦૨૩માં ટેસ્ટ-કૅપ્ટન બન્યા બાદ ટેમ્બા બવુમાએ સાઉથ આફ્રિકાને ૯માંથી ૮ ટેસ્ટ-મૅચમાં જીત અપાવી છે, જ્યારે ૨૦૨૪માં એકમાત્ર ટેસ્ટ-મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે ડ્રૉ રહી હતી. ૩૫ વર્ષના બવુમાને ૬૩ ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ છે. તે ઑસ્ટ્રેલિયા સામે કૅપ્ટન તરીકે પહેલી વાર ટેસ્ટ-મૅચ રમવા ઊતરશે.
બવુમા અને કમિન્સની કૅપ્ટન તરીકે ટેસ્ટ-ફૉર્મેટમાં પહેલી વાર ટક્કર થશે. કમિન્સ (૬૨.૫૦ ટકા)ની સરખામણીમાં બવુમાની (૮૮.૮૮ ટકા) કૅપ્ટન તરીકે જીતીની ટકાવારી વધારે છે. લૉર્ડ્સના પ્રતિષ્ઠિત મેદાનમાં ૧૧થી ૧૫ જૂન દરમ્યાન WTC ફાઇનલમાં બન્નેમાંથી કોણ કૅપ્ટન તરીકે ખરો ઊતરશે એના પર સૌની નજર રહેશે.
બૅટ્સમેનોને મારી શ્રેષ્ઠ સલાહ એ છે કે બોલર્સનો આદર કરો, પછી ભલે તે પહેલી ઓવર હોય કે ૬૭મી ઓવર : એ. બી. ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એ. બી. ડિવિલિયર્સે વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મૅચ પહેલાં સાઉથ આફ્રિકન ટીમને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેણે કહ્યું હતું કે ‘લૉર્ડ્સમાં રમવું મુશ્કેલ છે. વિશ્વના મોટા ભાગના મેદાનો કરતાં બૉલ અહીં લાંબા સમય સુધી ફરે છે. કદાચ બૅટ્સમેનોને મારી શ્રેષ્ઠ સલાહ એ છે કે બોલરોનો આદર કરો, પછી ભલે તે પહેલી ઓવર હોય કે ૬૭મી ઓવર. લૉર્ડ્સમાં સામાન્ય રીતે સીમ બોલર્સ પરિસ્થિતિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. સીમ બોલર્સ માટે હંમેશાં અહીં થોડી સીમ-મૂવમેન્ટ હોય છે. એથી હું કદાચ મારા બોલર્સને શક્ય એટલા લાંબા સમય સુધી ફુલ ઍન્ડ સ્ટ્રેઇટ બોલિંગ કરવા વિનંતી કરીશ.’