આજથી કાંગારૂઓ અને આફ્રિકનો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો જંગ શરૂ

12 June, 2025 07:05 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લૉર્ડ્‌સના મેદાન પર ઑસ્ટ્રેલિયા જેટલી ટેસ્ટ-મૅચ જીત્યું છે એટલી જ ટેસ્ટ સાઉથ આફ્રિકા અહીં રમ્યું છે, ઑસ્ટ્રેલિયા એક દાયકાથી અહીં ટેસ્ટ-મૅચ નથી હાર્યું, મૅચનો સમય - બપોરે 3.૦૦ વાગ્યાથી

WTC પહેલાંની પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન ગઈ કાલે ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન પૅટ કમિન્સ અને સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૩-૨૫ની ફાઇનલ મૅચ આજથી ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લૉર્ડ્‌સના મેદાન પર રમાશે. ૧૧થી ૧૫ જૂન સુધી રમાનારી આ ફાઇનલ મૅચમાં વાઇટ જર્સીના કિંગ બનવાનો જંગ જામશે. પહેલી જ વાર બન્ને ટીમ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં ટકરાશે. સાઉથ આફ્રિકા પહેલી વાર WTC ફાઇનલ રમી રહ્યું છે, જ્યારે ઑસ્ટ્રેલિયા સતત બીજી વાર આ ફાઇનલ મૅચ રમશે. બરાબર આજના દિવસે ૨૦૨૩ની ૧૧ જૂને લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં કાંગારૂ ટીમે ભારતને WTC ફાઇનલમાં ૨૦૯ રને હાર આપીને પહેલી વાર આ ટાઇટલ જીત્યું હતું. પહેલી સીઝનની ફાઇનલમાં ભારત ન્યુ ઝીલૅન્ડ સામે ૮ વિકેટે હાર્યું હતું.

લંડનના પ્રતિષ્ઠિત લૉર્ડ્‌સના મેદાન પર ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટેસ્ટ-ક્રિકેટમાં માત્ર એક વાર જુલાઈ ૧૯૧૨માં સામસામે રમ્યાં હતાં. ત્રિકોણીય ટુર્નામેન્ટની આ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીત મેળવી હતી. ન્યુટ્રલ વેન્યુ પર બન્ને ટીમે આ ત્રિકોણીય સિરીઝ દરમ્યાન જ બે ટેસ્ટ-મૅચ રમી છે, નૉટિંગહૅમની અન્ય એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી એટલે કે તટસ્થ વેન્યુ પર સાઉથ આફ્રિકા ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ-ક્રિકેટમાં હરાવી નથી શક્યું.

૨૧મી સદીમાં સાઉથ આફ્રિકા આ મેદાન પર પાંચ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાં ઇંગ્લૅન્ડ સામે ઑગસ્ટ ૨૦૨૨ની અંતિમ મૅચ સહિત ત્રણ મૅચ જીત્યું છે. એક ટેસ્ટ ડ્રૉ રહી હતી અને એક મૅચ ઇંગ્લૅન્ડે જીતી હતી. ઑસ્ટ્રેલિયા આ સદીમાં અહીં ૮ ટેસ્ટ રમ્યું છે જેમાંથી પાંચમાં જીત અને બે મૅચમાં હાર મળી છે. એક મૅચ ડ્રૉ રહી હતી. ૨૦૧૩માં એ છેલ્લી વાર અહીં ટેસ્ટ-મૅચ હાર્યું હતું. ત્યાર બાદની ત્રણ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે એક મૅચ ડ્રૉ સહિત બે મૅચ જીતીને અપરાજિત રહ્યું હતું. 

WTCની બન્ને ફાઇનલિસ્ટ ટીમે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન

સાઉથ આફ્રિકા : એઇડન માર્કરમ, રાયન રિકલ્ટન, વિઆન મલ્ડર, ટેમ્બા બવુમા (કૅપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહૅમ, કાઇલ વરેન (વિકેટકીપર), માર્કો યાન્સેન, કેશવ મહારાજ, કૅગિસો રબાડા, લુંગી ઍન્ગિડી.
ઑસ્ટ્રેલિયા : ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, કૅમરન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રૅવિસ હેડ, બો વેબસ્ટર, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), પૅટ કમિન્સ (કૅપ્ટન), મિચલ સ્ટાર્ક, નૅથન લાયન, જોશ હેઝલવુડ. 

WTC ફાઇનલ ડ્રૉ, ટાઇ કે રદ થશે તો કોણ વિજેતા બનશે?

જો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલ ડ્રૉ થાય, ટાઇ થાય અથવા વરસાદને કારણે રદ થાય તો બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. હવામાનના વિઘ્નને કારણે ખોવાયેલા સમયની ભરપાઈ કરવા અને ઓવર્સ પૂર્ણ કરવા માટે ૧૬ જૂનનો રિઝર્વ-ડે ઉપલબ્ધ છે. જો રિઝર્વ-ડેનો ઉપયોગ કર્યા પછી પણ કોઈ રિઝલ્ટ ન આવે તો બન્ને ટીમ ચૅમ્પિયન જાહેર થશે.

ICCની નૉકઆઉટ મૅચમાં આ‌ૅસ્ટ્રેલિયા સામે ક્યારેય નથી જીત્યું સાઉથ આફ્રિકા

વર્ષ ૧૯૯૯ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ - મૅચ ટાઇ (સુપર સિક્સમાં સારી સ્થિતિને કારણે ઑસ્ટ્રેલિયા આગળ વધ્યું)
વર્ષ ૨૦૦૭ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ - ઑસ્ટ્રેલિયા ૭ વિકેટથી જીત્યું
વર્ષ ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ - ઑસ્ટ્રેલિયા ૩ વિકેટથી જીત્યું 

ટેસ્ટ-ક્રિકેટમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૧૦૧

ઑસ્ટ્રેલિયાની જીત

૫૪

સાઉથ આફ્રિકાની જીત

૨૬

ડ્રૉ

૨૧

 

લૉર્ડ્‌સમાં આ‌ૅસ્ટ્રેલિયાનો ટેસ્ટ-રેકૉર્ડ 

મૅચ

૪૦

જીત

૧૮

હાર

ડ્રૉ

૧૫

 

લૉર્ડ્‌સમાં સાઉથ આફ્રિકાનો  ટેસ્ટ-રેકૉર્ડ 

મૅચ

૧૮

જીત

હાર

ડ્રૉ

 

world test championship australia south africa test cricket cricket news sports sports news