WTC 2023 : બૅક ટુ પૅવિલિયન

09 June, 2023 10:10 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

દિનેશ કાર્તિક પ્લેયરમાંથી કૉમેન્ટેટર બન્યો : આઇપીએલ આવતાં પાછો પ્લેયર બની જાય છે અને અત્યારે લંડનમાં કૉમેન્ટરી બૉક્સમાં બરાબર જામી ગયો છે

૭ જૂને દિનેશ કાર્તિકે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન ‘અલ્ટિમેટ ટેસ્ટ’ માટેના લંડનના હવામાન અને પિચ વિશેનું અપડેટ ક્રિકેટપ્રેમીઓને આપ્યું હતું.

વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક ગઈ ૭ એપ્રિલે આઇપીએલ માટેની પ્રૅક્ટિસમાં બિઝી હતો, ૭ મેએ વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાનારી મૅચની પ્રૅક્ટિસ શરૂ કરવા મુંબઈ આવી ગયો હતો અને ૭ જૂને (બે દિવસ પહેલાં) કૉમેન્ટરી બૉક્સમાં બેઠો હતો. કાર્તિક ૭ મેએ મુંબઈના હવામાન અને વાનખેડેની પિચનો અંદાજ મેળવવામાં વ્યસ્ત હતો અને ૭ જૂને તેણે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન ‘અલ્ટિમેટ ટેસ્ટ’ માટેના લંડનના હવામાન અને પિચ વિશેનું અપડેટ ક્રિકેટપ્રેમીઓને આપ્યું હતું. વાત એમ છે કે ભારતનો અને આઇપીએલનો આ પીઢ ખેલાડી ૧૯ વર્ષ પછી પણ કરીઅરમાં હજી ઉતાર-ચડાવ જોઈ રહ્યો છે. પહેલી જૂને ૩૮ વર્ષ પૂરાં કરનાર કાર્તિક ૨૦૦૪માં પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કરીઅર શરૂ પણ નહોતી થઈ. અત્યારે સ્થિતિ એવી છે કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડ્યાને ચાર વર્ષ થઈ ગયાં, પણ કાર્તિક કદાચ હજી પણ ટીમ ઇન્ડિયામાં આશા રાખીને બેઠો છે. ૧૮૦ ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવી કાર્તિક ભારત વતી છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં બંગલાદેશ સામેની ટી૨૦માં રમ્યો હતો. આ વખતની આઇપીએલમાં તે ફ્લૉપ રહ્યો હતો. બૅન્ગલોર વતી ૧૩ મૅચમાં તેણે ફક્ત ૧૪૦ રન બનાવ્યા અને જેટલી મૅચોમાં વિકેટકીપિંગ કરવા મળ્યું એમાં તેણે આઠ કૅચ પકડ્યા અને બે સ્ટમ્પ-આઉટ કર્યા. ૨૦૨૨ પછી ભારત વતી રમવા ન મળતાં કાર્તિક કૉમેન્ટેટર બની ગયો. આઇપીએલ આવતાં તે ફરી ખેલાડીના રૂપમાં જોવા મળે છે અને હવે ફરી કૉમેન્ટરી બૉક્સમાં સેટ થઈ ગયો છે.

dinesh karthik indian cricket team test cricket oval maidan cricket news sports sports news australia