WTC 2023 : સ્ટીવન થયો સ્ટીવની બરાબરીમાંઃ ભારત સામે જો રૂટથી પણ ફાસ્ટ

09 June, 2023 09:58 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સ્મિથે ૩૭ દાવમાં ભારત સામે ૯ સદી ફટકારી હોવાથી રૂટ કરતાં તે ઝડપી છે

સ્ટીવન સ્મિથ ગઈ કાલે રનઆઉટ થતાં બચી ગયો હતો. તેણે ૩૧મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. તસવીર પી.ટી.આઇ.

ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ (૧૨૧ રન, ૨૬૮ બૉલ, ૩૩૩ મિનિટ, ૧૯ ફોર) ગઈ કાલે ઓવલમાં કરીઅરની ૩૧મી સેન્ચુરી ફટકારવામાં તો સફળ થયો જ હતો, તેની આ સદી ત્રણ રીતે સ્પેશ્યલ છે. એક, તે ઇંગ્લૅન્ડની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનારા બૅટર્સમાં (જૉઇન્ટ-બૅટર્સ તરીકે) પોતાના જ દેશના સ્ટીવ વૉની સાથે થઈ ગયો છે. સ્ટીવ વૉની જેમ હવે સ્ટીવન સ્મિથની પણ બ્રિટિશ ધરતી પર ૭ સદી છે. માત્ર ડૉન બ્રેડમૅનનું નામ ૧૧ સદી તેમની આગળ છે. રાહુલ દ્રવિડ અને ગોર્ડન ગ્રિનિજની ઇંગ્લૅન્ડમાં ૬-૬ ટેસ્ટ સેન્ચુરી છે.

બીજું, ભારત સામે સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનારા બૅટર્સમાં સ્ટીવ આ ૯મી સેન્ચુરી સાથે ઇંગ્લૅન્ડના જો રૂટની બરાબરીમાં આવી ગયો છે. રૂટની પણ ભારત સામે ૯ સદી છે, જે તેણે ૪૫ ઇનિંગ્સમાં બનાવી હતી. જોકે સ્મિથે ૩૭ દાવમાં ભારત સામે ૯ સદી ફટકારી હોવાથી રૂટ કરતાં તે ઝડપી છે. સોબર્સે ભારત સામે ૩૦ ઇનિંગ્સમાં ૮ સદી, રિચર્ડ્સે ૪૧ ઇનિંગ્સમાં ૮ અને પૉન્ટિંગે ૫૧ ઇનિંગ્સમાં ૮ સદી બનાવી હતી.

ત્રીજું, સ્મિથે ૩૧મી ટેસ્ટ સદી ૧૭૦ ઇનિંગ્સમાં ફટકારી છે અને સૌથી ઓછા દાવમાં ૩૧ સદી ફટકારનારાઓમાં તે સચિન તેન્ડુલકર (૧૬૫ ઇનિંગ્સ) પછી બીજા નંબરે છે. સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે ચોથી વિકેટ માટે ૨૮૫ રનની ભાગીદારી થઈ. ભારત સામે અગાઉ ૨૮૫ કરતાં વધુ રનની પાર્ટનરશિપ ૨૦૧૪માં વેલિંગ્ટનમાં મૅક્લમ અને વૉટલિંગ વચ્ચે (૩૫૨ રન) થઈ હતી.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાના ટેસ્ટ-બોલર્સ સામે ભારતીયો ટી૨૦ના મૂડમાં : ફટાફટ વિકેટ ગુમાવી બેઠા

121

ટ્રેવિસ હેડ ઇંગ્લૅન્ડમાં છેલ્લાં આટલાં વર્ષોમાં સૌથી ઓછા બૉલમાં ટેસ્ટ સદી ફટકારનારો બૅટર છે. તેના કરતાં ઓછા બૉલમાં બ્રિટિશ ધરતી પર સદી ફટકારનાર હતા વિક્ટર ટ્રમ્પર અને ક્લેમ હિલ. તેમણે ૧૯૦૨માં અનુક્રમે ૯૫ બૉલ અને ૧૦૫ બૉલમાં ૧૦૦ રન બનાવ્યા હતા.

50
મોહમ્મદ સિરાજ ટેસ્ટ-ક્રિકેટમાં આટલી વિકેટના આંકડા પર પહોંચ્યો છે. તેના ખાતે હવે ૫૧ વિકેટ છે. 

steve smith australia indian cricket team test cricket cricket news oval maidan sports news sports