11 June, 2023 10:47 AM IST | London | Gujarati Mid-day Correspondent
રવિન્દ્ર જાડેજા
ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ ટેસ્ટમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ૪૧ ઓવરમાં ૧૧૪ રન આપીને કુલ ૪ વિકેટ લીધી હતી. તેણે જ્યારે ટ્રેવિસ હેડને આઉટ કર્યો એ તેની ટેસ્ટ-કરીઅરની ૨૬૭મી વિકેટ હતી. આ વિકેટ દ્વારા જાડેજા ભારત માટે ત્રણેય ફૉર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો લેફ્ટી સ્પિનર બન્યો હતો. વન-ડે અને ટી૨૦માં તો જાડેજા ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો જ, પરંતુ હવે ટેસ્ટમાં પણ તેણે આ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્ટમાં તેણે સ્પિનર બિશન સિંહ બેદીને પાછળ મૂકી દીધો છે, જેમણે ભારત માટે ૨૬૬ વિકેટ લીધી હતી. જાડેજાએ સ્મિથ અને હેડની વિકેટ લીધી હતી, પરંતુ સૌથી વધુ ચર્ચા કૅમેરન ગ્રીનની વિકેટની થઈ હતી. જાડેજાનો બૉલ લેગ સ્ટમ્પ પર પડ્યો અને સ્પિન થઈને ઑફ સ્ટમ્પને ઉડાવી ગયો. ગ્રીન પણ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
આઉટ થઈ જતાં સ્ટમ્પને જોઈ રહેલો ઑસ્ટ્રેલિયન બૅટર કૅમેરન ગ્રીન
આઉટ કે નૉટઆઉટ?
બીજી ઇનિંગ્સમાં સ્કૉટ બોલૅન્ડના બૉલમાં ઓપનર શુભમન ગિલના બૅટની ધારને અડીને બૉલ સ્લિપમાં ઊભેલા કૅમેરન ગ્રીન પાસે ગયો. તેણે શાનદાર કૅચ પકડ્યો. જોકે ગિલ ક્રીઝ પર જ ઊભો રહ્યો હતો. આખરે નિર્ણય થર્ડ અમ્પાયર પાસે ગયો. જેણે ઘણી વખત રીપ્લે જોયા બાદ ગિલને આઉટ આપ્યો. જોકે હરભજન સિંહ સહિત ઘણા કૉમેન્ટેટરો અમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતા. તેમના મતે બૉલ જમીનને અડ્યો હતો. ગ્રીન બૉલની નીચે આંગળીઓ લાવવામાં નિષ્ફળ રહ્યો હતો.