વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનને મળશે 11.72 કરોડ રૂપિયા

15 June, 2021 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રનર-અપને એનાથી અડધા - ૫.૮૫ કરોડ રૂપિયા મળશે અને જો મૅચ ડ્રૉ, ટાઇ થઈ કે ધોવાઈ ગઈ તો ટોટલ રકમ બન્ને ટીમમાં વહેંચાઈ જશે

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ઇનામી રકમની જાહેરાત કરી હતી. પહેલી વાર આયોજિત થઈ રહેલી આ ટેસ્ટ ચૅમ્પિયનશિપના વિજેતાને મળશે ૧.૬ મિલ્યન ડૉલર (આશરે ૧૧.૭૨ કરોડ રૂપિયા) અને એક ગદા, જ્યારે રનર-અપ ટીમને મળશે ૮૦,૦૦૦ ડૉલર (આશરે ૫.૮૫ કરોડ રૂપિયા). જો મૅચ ટાઇ, ડ્રૉ થઈ કે ધોવાઈ ગઈ તો બન્ને ટીમને જૉઇન્ટ વિનર જાહેર કરવામાં આવશે અને ઇનામી રકમ પણ બન્ને ટીમમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવશે, જેમાં આશરે બન્ને ટીમને ૮.૭૮ કરોડ રૂપિયા મળશે આ ઉપરાંત ત્રીજા નંબરે રહેલી ઑસ્ટ્રેલિયન ટીમને મળશે ૩.૩૦ કરોડ, ચોથા નંબરની ઇંગ્લૅન્ડને ૨.૫ કરોડ અને પાંચમા નંબરે રહેલી પાકિસ્તાનને મળશે આશરે ૧.૫ કરોડ રૂપિયા. ત્યાર બાદની ચારેક ટીમને એકસરખા આશરે ૭૩ લાખ રૂપિયા મળશે. આઇસીસી તરફથી પહેલાં ટેસ્ટ રૅન્કિંગ્સમાં પહેલા સ્થાને રહેનાર ટીમને ગદા મળતી હતી.

ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પૉઇન્ટ-સિસ્ટમમાં થઈ શકે છે ફેરફાર
આઇસીસીએ હવે પછીની ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પૉઇન્ટ સિસ્ટમમાં બદલાવના સંકેત આપ્યા છે. અત્યારે બે મૅચની હોય, ત્રણ મૅચની હોય કે પાંચ મૅચની દરેક સિરીઝને એકસરખા ૧૨૦ પૉઇન્ટ મળતા હતા જેથી બે મૅચની સિરીઝની ટેસ્ટ જીતનાર ટીમને ૬૦ પૉઇન્ટ મળતા હતા અને પાંચ ટેસ્ટ મૅચની સિરીઝની મૅચ જીતનાર ૨૦ પૉઇન્ટ મળતા હતા જેની ખૂબ ટીકા થઈ હતી. આથી હવે આઇસીસી સિરીઝ ગમે એટલી મૅચની હોય, પણ જીતવા માટે એકસરખા પૉઇન્ટ આપવા વિશે વિચારણા કરી રહ્યું છે.

cricket news sports news sports international cricket council