ઑસ્ટ્રેલિયાએ પાંચ રને મૅચ જીતીને સતત બીજી વાર ફાઇનલમાં કર્યો પ્રવેશ

06 March, 2020 03:46 PM IST  |  Sydney

ઑસ્ટ્રેલિયાએ પાંચ રને મૅચ જીતીને સતત બીજી વાર ફાઇનલમાં કર્યો પ્રવેશ

વન મોર ટુ ગો : જીતનું સેલિબ્રેશન કરતી ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ.

વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને પાંચ રનથી મહાત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જો મૅચ કૅન્સલ થઈ હોત તો પૉઇન્ટ મુજબ સાઉથ આફ્રિકા ફાઇનલમાં ગયું હોત, પરંતુ મૅચ ૧૩ ઓવરની થતાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઑસ્ટ્રેલિયાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૪ રન બનાવ્યા હતા. કૅપ્ટન મેગ લેનિંગ સૌથી વધારે નૉટઆઉટ ૪૯ રન બનાવીને પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ જીતી હતી. સાઉથ આફ્રિકાની નદીની ડે ક્લેક્રે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. તેણે ચાર ઓ‍વરમાં ૧૯ રન આપ્યા હતા. સાઉથ આફ્રિકાની ઇનિંગ વરસાદને કારણે ૧૩ ઓ‍વરની કરવામાં આવી હતી અને ડકવર્થ લુઇસ મેથડ અનુસાર તેમને ૯૮ રનનો ટાર્ગેટ અપાયો હતો. જોકે ઑસ્ટ્રેલિયન બોલરોએ સાઉથ આફ્રિકન પ્લેયરોને થોડા પરેશાન કર્યા હતા અને પાંચ વિકેટ લઈને માત્ર ૯૨ રન આપ્યા હતા. સાઉથ આફ્રિકાની લોરા વોલ્વાડર્ટે સૌથી વધારે નૉટઆઉટ ૪૧ રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ પોતાની નંબર-વન પ્લેયર એલિસી પેરીની ગેરહાજરીમાં આ મૅચ રમી હતી અને વિજયી રહી હતી. તે હવે રવિવારે ભારત સામે ફાઇનલ મૅચ રમશે. ઑસ્ટ્રેલિયા બીજી વાર સતત ફાઇનલમાં જવાની સાથે ટોટલ પાંચમી વાર ફાઇનલમાં આવી છે. તેઓ ચાર વાર ચૅમ્પિયન બની ચૂક્યા છે.

australia south africa womens world cup t20 world cup international cricket council cricket news sports news