પૂનમ યાદવની કમાલ : ટી20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું ભારતે

22 February, 2020 01:37 PM IST  |  Sydney

પૂનમ યાદવની કમાલ : ટી20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું ભારતે

પૂનમ યાદવ

ઑસ્ટ્રેલિયામાં શરૂ થયેલા ટી૨૦ વર્લ્ડ કપની પહેલી મૅચમાં ઇન્ડિયાએ જીતથી શરૂઆત કરી છે. આ ટુર્નામેન્ટની પહેલી મૅચ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રભાઈ હતી. પૂનમ યાદવ અને દીપ્તિ શર્માને કારણે ઇન્ડિયા ૧૭ રને મૅચ જીત્યું હતું. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. ઓપનિંગ માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના ઊતર્યાં હતાં. પહેલી વિકેટ ૪૧ રને પડી હતી. સ્મૃતિ ૧૦ રન કરીને આઉટ થઈ હતી. ત્યાર બાદ તરત જ શેફાલી ૨૯ રન કરીને આઉટ થઈ હતી અને હરમનપ્રીત કૌર બે રન કરીને આઉટ થઈ હતી. જેમિમાહ રૉડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ ટીમને ટકાવી રાખી હતી. જેમિમાહ ૨૬ રને આઉટ થઈ હતી અને દીપ્તિ ૪૯ રન કરીને નૉટ-આઉટ રહી હતી અને તેણે ટીમને ૧૩૨ રનના સ્કોરે પહોંચાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાની જેસ જોનાસને બે વિકેટ લીધી હતી તેમ જ ઍલિસ પૅરી અને ડેલિસા કિમિન્સે એક-એક વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાની ઓપનિંગ બૅટ્સમૅન ઍલિસા હેલી ૫૧ રને આઉટ થઈ હતી. ઍલિસા બાદ એશલેઘ ગાર્નરે ૩૪ રન કર્યા હતા. આ બે પ્લેયર ઑસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જઈ રહ્યાં હતાં. જોકે સામેની વિકેટ ધડાધડ પડતાં ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૫ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. પૂનમે ચાર વિકેટ અને શિખા પાન્ડેએ ત્રણ વિકેટ લીધી હતી. પૂનમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી.

હું ત્રીજી વાર હૅટ-ટ્રિક ચૂકી ગઈ છું : પૂનમ યાદવ

ટી૨૦ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની પહેલી મૅચમાં પૂનમ યાદવ હૅટ-ટ્રિક ચૂકી ગઈ હતી અને તે તેના કરીઅરમાં ત્રીજી વાર હૅટ-ટ્રિક ચૂકી ગઈ છે. વર્લ્ડ કપની પહેલી મૅચ ઑસ્ટ્રેલિયા સામે હતી અને ઇન્ડિયાની ૧૭ રને જીત થઈ હતી જેમાં પૂનમ યાદવનું મહત્ત્વનું યોગદાન છે. પૂનમે રેચલ હેન્સ અને ઍલિસ પૅરીની બે બૉલમાં બે વિકેટ લીધી હતી. હૅટ-ટ્રિક ચૂકી જતાં પૂનમે કહ્યું હતું કે ‘આ ત્રીજી વાર થયું છે કે હું હૅટ-ટ્રિક ચૂકી ગઈ છું. જોકે હું મારી ટીમની આભારી છું, કારણ કે ઇન્જરી બાદ ફરી કમબૅક કરવું સરળ નથી. હું ઇન્જર્ડ હતી ત્યારે મારા ફિઝિયો અને મારી ટીમે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મેં ભૂતકાળમાં આ ગ્રાઉન્ડ પર ઘણી સારી બોલિંગ કરી હતી અને આ વખતે પણ એ જ કન્ટિન્યુ રાખવા ઇચ્છતી હતી.’

indian womens cricket team womens world cup cricket news sports news