05 October, 2025 04:07 PM IST | Colombo | Gujarati Mid-day Online Correspondent
બન્ને મહિલા કૅપ્ટને પણ હાથ ન મિલાવ્યા (તસવીર: X)
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ દરમિયાન ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનું ટાળ્યા બાદ ICC મહિલા વર્લ્ડ કપ 2025માં એક નવો વિવાદ ઉભો થયો છે. આ ક્ષણ ત્યારે બની જ્યારે બન્ને ટીમના કૅપ્ટન મૅચ એમ્પાયર સાથે મધ્યમાં ઉભા હતા. આ ઘટના પુરુષોના ક્રિકેટમાં સમાન ઘટનાની નજીક છે, જ્યારે ભારતીય ખેલાડીઓએ એશિયા કપ 2025 દરમિયાન તેમના પાકિસ્તાની ક્રિકેટરો કે બીજા મેનેજમેન્ટ સાથે હાથ મિલાવવાનું ખાસ ટાળ્યું હતું. હવે મહિલા ક્રિકેટમાં પણ બણેલીસ સમાન ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
BCCI એ મહિલા વર્લ્ડ કપ 2025 મૅચના થોડા દિવસો પહેલા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કારણ કે તેમના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે હાથ મિલાવશે નહીં. ભારતીય પુરુષ T20I કૅપ્ટન સૂર્યકુમાર યાદવે યુનાઈટેડ આરબ એમિરેટ્સમાં (UAE) તાજેતરમાં પૂર્ણ થયેલા એશિયા કપ ટુર્નામેન્ટ દરમિયાન સલમાન આગા સાથે પણ આવું જ ટાળ્યું હતું.
જેથી હવે શું બાકીની મહિલા ક્રિકેટરો પણ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવશે? અને એશિયા કપ જેવો જ વિવાદ ફરી શરૂ થશે કે નહીં તે અંગે લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે.
અહીં જુઓ વાયરલ ઘટનાનો વીડિયો
પાકિસ્તાન સામે એશિયા કપના ગ્રુપ સ્ટેજ મૅચ પછી ભારતીય પુરુષ ખેલાડીઓએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે મોટો વિવાદ થયો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આ વાત અલગ અલગ રીતે ચર્ચાસ્પદ રહી હતી, જેમાં પાકિસ્તાની ખેલાડીઓ ખાસ કરીને મેદાન પર ઉશ્કેરણીજનક ઇશારાઓ કરતા હતા. ફાસ્ટ બૉલર હરિસ રૌફ પણ અભિષેક શર્મા સાથે મેદાન પર થયેલી બોલાચાલીમાં સામેલ હતો.
કોલંબોમાં પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાએ ટૉસ જીત્યો અને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો:
રવિવારે કોલંબોના વાદળછાયા હવામાનમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાના પક્ષમાં પડ્યો, જેણે ભારત સામે પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બન્ને ટીમોએ એક-એક ફેરફાર કર્યો છે, જેમાં પાકિસ્તાને ઓમૈમા સોહેલના સ્થાને સદાફ શમાસને ટીમમાં સામેલ કરી છે. દરમિયાન, હરમનપ્રીત કૌરે જાહેરાત કરી કે અમનજોત કૌરની તબિયત સારી નથી અને રેણુકા સિંહ ઠાકુરે તેની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
પાકિસ્તાન વુમન ટીમ (પ્લેઇંગ ઇલેવન): મુનીબા અલી, સદાફ શમાસ, સિદ્રા અમીન, રમીન શમીમ, આલિયા રિયાઝ, સિદ્રા નવાઝ (ડબલ્યુ), ફાતિમા સના (કપ્તાન), નતાલિયા પરવેઝ, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઇકબાલ.
ઇન્ડિયા વુમન ટીમ (પ્લેઈંગ ઈલેવન): પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (સી), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (ડબ્લ્યુ), સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરાણી.