T20 વિમેન્સ વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાનનો જંગ ૬ ઑક્ટોબરે

06 May, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક ટીમ ટુર્નામેન્ટમાં ચાર ગ્રુપ મૅચ રમશે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ ૧૭ અને ૧૮  ઑક્ટોબરે સેમી ફાઇનલ મૅચમાં પ્રવેશ કરશે.

વિમેન્સ T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે વડાં પ્રધાન શેખ હસીના, ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને બંગલાદેશની કૅપ્ટન નિગાર સુલતાના.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાદ પણ ક્રિકેટ ફૅન્સને આવનારા મહિનામાં ઍક્શન અને મનોરંજનનો ઓવરડોઝ મળતો રહેશે. જૂન મહિનામાં મેન્સ T20 વર્લ્ડ કપ બાદ ઑક્ટોબર મહિનામાં વિમેન્સ T20 વર્લ્ડ કપ રમાશે. ૩થી ૨૦ ઑક્ટોબર દરમ્યાન બંગલાદેશમાં યોજાનારા આ વર્લ્ડ કપ માટે ગઈ કાલે બંગલાદેશના વડાં પ્રધાન શેખ હસીના, ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અને બંગલાદેશ કૅપ્ટન નિગાર સુલતાનાની હાજરીમાં વર્લ્ડ કપની ટ્રોફી અને શેડ્યુલની જાહેરાત કરવામાં આવી હતી. 

ભારતીય મહિલા ટીમને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન સાથે ગ્રુપ ‘એ’માં રાખવામાં આવી છે. ૪ ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવા પહેલાં ભારતીય ટીમ ૨૮ સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ અને ૩૦ સપ્ટેમ્બરે બંગલાદેશ સામે વૉર્મઅપ મૅચ રમશે. ૬ ઑક્ટોબરે ભારતીય ટીમનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. યજમાન બંગલાદેશને દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને અન્ય ક્વૉલિફાયર સાથે ગ્રુપ ‘બી’માં રાખવામાં આવ્યું છે. મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય થનારી બે ટીમ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી બે ટીમ સાથે નક્કી કરવામાં આવશે, જેની ફાઇનલ મૅચ ૭  મેએ રમાશે. આયરલૅન્ડ, અમેરિકા, શ્રીલંકા અને સ્કૉટલૅન્ડ મુખ્ય ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવાની રેસમાં છે.  

દરેક ટીમ ટુર્નામેન્ટમાં ચાર ગ્રુપ મૅચ રમશે અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ ૧૭ અને ૧૮  ઑક્ટોબરે સેમી ફાઇનલ મૅચમાં પ્રવેશ કરશે. ઢાકામાં ૨૦ ઑક્ટોબરે ફાઇનલનો જંગ જામશે. ઢાકા અને સિલ્હટમાં ૧૯ દિવસમાં કુલ ૨૩ મૅચ રમાશે. સેમી ફાઇનલ અને ફાઇનલ મૅચ માટે રિઝર્વ-ડે પણ રાખવામાં આવશે.  વિમેન્સ T20 વર્લ્ડ કપની આ નવમી આવૃત્તિ હશે. ૨૦૦૯થી ૨૦૨૩ વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા ૬ વાર અને વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લૅન્ડની મહિલા ટીમ ૧-૧ વાર ચૅમ્પિયન બની છે.

T20 વિમેન્સ વર્લ્ડ કપ 
2024
માં ભારતનું શેડ્યુલ 

તારીખ

 વિરોધી ટીમ

૪ ઑક્ટોબર

ન્યુ ઝીલૅન્ડ

૬ ઑક્ટોબર

પાકિસ્તાન

૯ ઑક્ટોબર

ક્વૉલિફાય ટીમ ૧

૧૩ ઑક્ટોબર

ઑસ્ટ્રેલિયા

ભારતની તમામ ગ્રુપ મૅચો સિલ્હટમાં રમાશે

cricket news indian womens cricket team t20 world cup pakistan harmanpreet kaur bangladesh