મુંબઈ ઑલમોસ્ટ ફાઇનલમાં : ગુજરાતને ચાર પરાજય બદલ હવે એક્ઝિટનો ખતરો

16 March, 2023 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય બૅટર્સ અને વિદેશી બોલર્સે મુંબઈ ઇન્ડિયન્સને અપાવી સ્પર્ધાની પાંચમી જીત

મંગળવારે બ્રેબર્નમાં સતત પાંચમી મૅચ જીતી લેનાર મુંબઈ ઇન્ડિયન્સ વિમેનની ખેલાડીઓ. અને (ડાબે) મંગળવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ પછીના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ગુજરાત જાયન્ટ્સની હર્લી ગાલા. તસવીર આશિષ રાજે

હરમનપ્રીત કૌર (૫૧ રન, ૩૦ બૉલ, બે સિક્સર, સાત ફોર)ની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમ મંગળવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં સતત બીજી વાર ગુજરાત જાયન્ટ્સ વિમેનને મોટા માર્જિનથી હરાવીને નૉકઆઉટમાં પહોંચી જનારી પ્રથમ ટીમ તો બની જ છે, એણે ફાઇનલમાં એન્ટ્રી ઑલમોસ્ટ કરી લીધી છે.

લીગ રાઉન્ડને અંતે સ્પર્ધાની પાંચ ટીમમાંથી જે પણ ટીમ મોખરે રહે એ સીધી ફાઇનલમાં જશે અને બીજા-ત્રીજા નંબરની ટીમ એલિમિનેટરમાં જશે અને એમાં જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચશે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પહેલી પાંચેય મૅચ જીતીને ૧૦ પૉઇન્ટ સાથે અવ્વલ છે. એની ત્રણ લીગ મૅચ બાકી છે. હરમનપ્રીતની ટીમનો પર્ફોર્મન્સ અને અન્ય ટીમોની સ્થિતિ જોતાં મુંબઈની ટીમે ફાઇનલમાં લગભગ એન્ટ્રી કરી લીધી કહી શકાય.

મંગળવારે બ્રેબર્નમાં મુંબઈ વતી બૅટિંગમાં ખાસ કરીને ભારતીય બૅટર્સ અને બોલિંગમાં વિદેશી બોલર્સ ચમકી હતી. હરમનના ૫૧ તથા ઓપનર યાસ્તિકા ભાટિયાના ૪૪ રનની મદદથી મુંબઈએ ૮ વિકેટે ૧૬૨ રન બનાવ્યા પછી ગુજરાતે ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૦૭ રન બનાવતાં મુંબઈનો પંચાવન રનથી વિજય થયો હતો. ચોથી માર્ચે ડી. વાય. પાટીલમાં મુંબઈએ ડબ્લ્યુપીએલની સૌપ્રથમ મૅચમાં ગુજરાતની ટીમને ૧૪૩ રનથી હરાવી હતી અને એમાં પણ હરમનપ્રીત ૩૦ બૉલમાં બનાવેલા ૬૫ રન બદલ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી.

આ પણ વાંચો: યુપીને બે ઓવર બહુ ભારે પડીઃ મુંબઈએ સતત ચોથી જીત મેળવી

મંગળવારે મુંબઈ સામે ગુજરાતની એકેય બૅટર પચીસ રન પણ નહોતી બનાવી શકી. હર્લીન દેઓલના બાવીસ રન ટીમમાં હાઇએસ્ટ હતા. કૅપ્ટન સ્નેહ રાણાએ ૨૦ રન બનાવ્યા હતા. ૮ માર્ચે બ્રેબર્નમાં ૬૫ રન બનાવીને ગુજરાતને વિજય અપાવનાર ઓપનર સોફિયા ડન્ક્લી મંગળવારે મુંબઈની નૅટ સિવર-બ્રન્ટના પહેલા જ બૉલમાં એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. મુંબઈ વતી ચારેય વિદેશી ખેલાડીએ વિકેટ લીધી હતી. હૅલી મૅથ્યુઝે તથા નૅટ સિવરે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ તેમ જ ઍમેલી કેરે બે અને ઇસ્સી વૉન્ગે એક વિકેટ લીધી હતી. ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૨ વિકેટ લઈને પર્પલ કૅપ મેળવનાર ભારતની સાઇકા ઇશાકને અને એક ઓવર બોલિંગ કરનાર અમનજોત કૌરને વિકેટ નહોતી મળી.

હર્લી ગાલાને આજે રમવા મળશે?

ગુજરાત જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીએ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલાને ઑક્શનમાં ૧૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મેળવી હતી, પરંતુ ગઈ કાલ સુધી તેને એકેય મૅચમાં રમવાનો મોકો નહોતો આપવામાં આવ્યો. ડબ્લ્યુપીએલમાં હજી સુધી ફક્ત એક મૅચ જીતનાર ગુજરાત જાયન્ટ્સે મંગળવારે ચોથી હાર જોવી પડી હતી. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની સુપરસ્ટાર હર્લી ગાલા આશાસ્પદ ખેલાડી છે. જાન્યુઆરીના સૌપ્રથમ ગર્લ્સ ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં તેનો સમાવેશ કરાયો હતો, પરંતુ ઈજાને કારણે તે વિશ્વકપમાં નહોતી રમી શકી.

તાજેતરમાં ડોમેસ્ટિક મૅચોમાં તેણે ઘણું સારું પર્ફોર્મ કર્યું હતું. ગુજરાત જાયન્ટ્સે તેને પોતાની સ્ક્વૉડમાં સમાવી તો છે, પરંતુ પાંચમાંથી એક પણ મૅચમાં તેને રમવાની તક નથી મળી. પાંચ ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં છેક ચોથું સ્થાન ધરાવતી ગુજરાત જાયન્ટ્સની હવે ત્રણ લીગ મૅચ બાકી રહી છે.

આગામી મૅચો કોની વચ્ચે?

આજે

ગુજરાત v/s દિલ્હી, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦

શનિવારે

મુંબઈ v/s યુપી, ડી. વાય. પાટીલ, બપોરે ૩.૩૦

ગુજરાત v/s બૅન્ગલોર, બ્રેબર્ન સ્ટેડિયમ, સાંજે ૭.૩૦

sports news sports cricket news womens premier league mumbai indians harmanpreet kaur