07 October, 2025 02:01 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
મૅચ-વિનિંગ પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર ક્રાન્તિ ગૌડ સાથે વિકેટની ઉજવણી કરતી કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના
રવિવારે કોલંબોમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની મૅચમાં પાકિસ્તાનને ૮૮ રને હરાવીને ભારતીય ટીમે વન-ડે ફૉર્મેટમાં પોતાના કટ્ટર હરીફ સામે ૧૨-૦થી અજેય રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. ભારત પહેલી વખત આ ફૉર્મેટમાં પાકિસ્તાન વિમેન્સ ટીમ સામે ઑલઆઉટ થયું હતું. એમ છતાં વન-ડે વર્લ્ડ કપમાં પોતાનો પાકિસ્તાન સામેનો હાઇએસ્ટ ૨૪૭ રનનો સ્કોર ભારતે ફટકાર્યો હતો. પાકિસ્તાન ૪૩ ઓવરમાં ૧૫૯ રન કરી ઑલઆઉટ થયું હતું.
બન્ને ટીમ વચ્ચે વન-ડે મૅચમાં પહેલી વખત ૪૦૦+ રન થયા હતા. ભારતની યંગ ફાસ્ટ બોલર ક્રાન્તિ ગૌડ માત્ર ૨૦ રન આપી ત્રણ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેણે ૧૦માંથી ત્રણ ઓવર મેઇડન ફેંકી હતી.
હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ એક પણ ફિફ્ટી પ્લસ સ્કોર વગર વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ટીમની પહેલી ૮ બૅટર્સ આ ઇનિંગ્સમાં ૧૫+ રનની ઇનિંગ્સ રમી હતી. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં કોઈ ટીમના બૅટર્સે એક ઇનિંગ્સમાં આવી કમાલ કરી હોય એવી આ પહેલી ઘટના છે. આ પહેલાં ૨૦૧૭ના વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની સાત-સાત બૅટર્સે આ રેકૉર્ડ કર્યો હતો.