12 September, 2025 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોફીની ફાઇલ તસવીર
ભારત અને શ્રીલંકામાં ૩૦ સપ્ટેમ્બરથી આયોજિત વન-ડે વિમેન્સ વર્લ્ડ કપ 2025 માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે ઐતિહાસિક જાહેરાત કરી છે. ચાર મૅચ રેફરી અને ૧૪ અમ્પાયર્સ સહિત ૧૮ મહિલા સભ્યોનું જૂથ સંપૂર્ણ ટુર્નામેન્ટને સંભાળશે. ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વખત ઑલ વિમેન્સ પૅનલ સંચાલન કરશે. આ પહેલાં કૉમનવેલ્થ ગેમ્સ 2022 અને તાજેતરની બે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં આ જ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતની જી. એસ. લક્ષ્મી મૅચ-રેફરી અને એન. જનાની, વૃંદા રાઠી તથા ગાયત્રી વેણુગોપાલન અમ્પાયર્સની ભૂમિકામાં જોવા મળશે. ભારત તરફથી સૌથી વધુ ચાર સભ્યો આ પૅનલનો ભાગ છે. એ સિવાય આફ્રિકાના ત્રણ, ન્યુ ઝીલૅન્ડ, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના બે-બે તથા ઇંગ્લૅન્ડ, ઝિમ્બાબ્વે અને બંગલાદેશના એક-એક સભ્યને આ પૅનલમાં સ્થાન મળ્યું છે.