10 November, 2025 02:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા
ભારતની વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના સભ્યો ધીરે-ધીરે પોતાના હોમટાઉન પહોંચી રહ્યા છે. હોમટાઉનમાં તેમના પરિવારના સભ્યો અને ક્રિકેટ-ફૅન્સ લેડીઝ ક્રિકેટર્સનું હીરો જેવું સ્વાગત કરી રહ્યા છે. રાધા યાદવ વડોદરા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતી હોવાથી તેના કોચ મિલિંદ વારાવડેકરે ઍરપોર્ટથી વિજયયાત્રા કાઢી હતી. ડીજે, ઢોલ-તાશા સાથે વિક્ટરી-શો કાઢવામાં આવ્યો હતો જેમાં ક્રિકેટ-ફેન્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારતમાં કોઈ મહિલા પ્લેયર્સ માટે આવાં દૃશ્યો ભાગ્યે જ જોવા મળ્યાં છે.
સ્નેહ રાણાને દેહરાદૂન ઍરપોર્ટ પર ફૅમિલીના સભ્યોએ જોરદાર સ્વાગત કર્યું હતું. સ્નેહ રાણાને ખભા પર બેસાડીને ફૂલોના હાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શફાલી વર્માનું હરિયાણાના રોહતકમાં પાઘડી, ચલણી નોટોના હાર અને ફૂલોના બુકેથી યાદગાર સ્વાગત કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશની રેણુકા સિંહ ઠાકુરે સૌથી પહેલાં મમ્મી સાથે શિમલાના પ્રસિદ્ધ હાટકોટી મંદિરમાં પૂજાવિધિ કરી હતી. સ્થાનિક આગેવાનો અને ક્રિકેટ-ફૅન્સ તેના માટે ફૂલ-હાર, પરંપરાગત ટોપી અને અન્ય ગિફ્ટ લઈને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.