વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજની મૅચ કોની-કોની વચ્ચે?

23 June, 2026 11:07 AM IST  |  Bristol | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ vs સ્કૉટલૅન્ડ, શ્રીલંકા vs આયરલૅન્ડ, આૅસ્ટ્રેલિયા vs પાકિસ્તાન

ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન મેલી કેર, સ્કૉટલૅન્ડની કૅપ્ટન કૅથરિન બ્રાયસ

ન્યુ ઝીલૅન્ડ vs સ્કૉટલૅન્ડ : બપોરે ૩ વાગ્યે, બ્રિસ્ટલ

એક દિવસના વિરામ બાદ વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૯મી મૅચ આજે ન્યુ ઝીલૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સતત બે હાર બાદ આયરલૅન્ડ સામે પહેલી જીત મેળવી શક્યું હતું, જ્યારે સ્કૉટલૅન્ડે આયરલૅન્ડ સામે જીત સાથે શરૂઆત કર્યા બાદ છેલ્લી બે મૅચમાં હારનો સામનો કર્યો છે. ત્રણ મૅચોમાં એક-એક જીત મેળવનાર આ બન્ને ટીમો વચ્ચે વર્ષ ૨૦૦૯થી ૨૦૨૨ વચ્ચે ચાર T20 મૅચ રમાઈ છે. આ ચારેય મૅચમાં કિવી ટીમ વિજેતા રહી છે.

શ્રીલંકા vs આયરલૅન્ડ : સાંજે ૭ વાગ્યે, બ્રિસ્ટલ

સતત ત્રણ હાર સાથે બહાર થયેલી આયરલૅન્ડ ટીમની ટક્કર આજે શ્રીલંકા સામે છે. શ્રીલંકા ત્રણ મૅચમાં માત્ર બીજી મૅચ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડને હરાવી શક્યું હતું. ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે શ્રીલંકાએ જીત મેળવવી પડશે. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૪ વચ્ચે આ બન્ને ટીમ પાંચ T20 મૅચ રમી છે. પહેલી ચાર મૅચમાં શ્રીલંકાની જીત થઈ હતી, જ્યારે અંતિમ મૅચમાં આયરલૅન્ડે બાજી મારી હતી. અગાઉના ચાર T20 વર્લ્ડ કપની ૧૭ મૅચમાં પણ આયરલૅન્ડ જીત નોંધાવી શક્યું નથી.

આૅસ્ટ્રેલિયા vs પાકિસ્તાન : રાતે ૧૧ વાગ્યે

આજના દિવસની અંતિમ ટક્કર ગ્રુપ-Aની ટૉપર ટીમ ઑસ્ટ્રેલિયા અને તળિયાની ટીમમાંથી એક એવી પાકિસ્તાન વચ્ચે થશે. હમણાં સુધીમાં કાંગારૂઓએ જીતની હૅટ-ટ્રિક કરી છે, જ્યારે પાકિસ્તાનને લાગલગાટ ત્રણ હાર મળી છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૨૪ વચ્ચે આ બન્ને ટીમો ૧૬ T20 મૅચો રમી છે. એમાંથી ઑસ્ટ્રેલિયા ૧૪ મૅચ જીત્યું છે અને બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. પાકિસ્તાન આ ટીમને ક્યારેય હરાવી શક્યું નથી. 

womens world cup t20 world cup international cricket council cricket news sports sports news new zealand scotland sri lanka ireland australia pakistan