29 September, 2025 11:08 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ગુવાહાટીના ઍરપોર્ટ પર વિમેન્સ વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની પ્લેયરો કૅપ્ટન હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, સ્નેહ રાણા, સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સ જોવા મળી હતી.
આવતી કાલથી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની તેરમી આવૃત્તિ શરૂ થઈ રહી છે. આ વખતે ભારત અને શ્રીલંકા વર્લ્ડ કપનાં યજમાન છે. ભારત ચોથી વાર વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે, જ્યારે શ્રીલંકા પહેલી વાર બન્યું છે.
૩૦ સપ્ટેમ્બરથી બીજી નવેમ્બર સુધી ચાલનારા, ૫૦-૫૦ ઓવરની ફૉર્મેટના આ વર્લ્ડ કપમાં ૮ ટીમો ભાગ લઈ રહી છે : ભારત, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, બંગલાદેશ.
૨૦૨૨માં સાતમી વાર વર્લ્ડ કપ જીતેલી ઑસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. ભારત બે વાર ફાઇનલમાં પહોંચ્યું છે, પણ ક્યારેય જીત્યું નથી. ઇંગ્લૅન્ડ ચાર વાર અને ન્યુ ઝીલૅન્ડ એક વાર વિમેન્સ વર્લ્ડ કપ જીત્યાં છે.
ગઈ કાલે ગુવાહાટીના સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મૅચ પહેલાંના ઉદ્ઘાટન સમારોહ માટે થયું ડાન્સ રિહર્સલ
આ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની આવતી કાલે ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી મૅચ પહેલાં ગુવાહાટીના આસામ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં યોજાશે જેમાં વર્લ્ડ કપની સત્તાવાર ઍન્થમ ‘બ્રિંગ ઇટ હોમ’ પર વિખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ પર્ફોર્મ કરશે.
વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની મૅચો
૩૦ સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ગુવાહાટીમાં
પાંચમી આૅક્ટોબરે પાકિસ્તાન સામે કોલંબોમાં
૯ આૅક્ટોબરે સાઉથ આફ્રિકા સામે વિશાખાપટનમમાં
૧૨ આૅક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે વિશાખાપટનમમાં
૧૯ આૅક્ટોબરે ઇંગ્લૅન્ડ સામે ઇન્દોરમાં
૨૩ આૅક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ સામે નવી મુંબઈમાં
૨૬ આૅક્ટોબરે બંગલાદેશ સામે નવી મુંબઈમાં