10 July, 2023 12:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍલીસ કૅપ્સી
મહિલાઓની ઍશિઝમાં ૨૬ જૂને ઑસ્ટ્રેલિયા સામેની એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો પરાજય થયા પછી શનિવારે ઇંગ્લૅન્ડની મહિલા ટીમે ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.
ઇંગ્લૅન્ડની ઑલરાઉન્ડર ઍલીસ કૅપ્સી (૪૬ રન, ૨૩ બૉલ, બે સિક્સર, ચાર ફોર) આ ફાઇનલ મુકાબલાની સુપરસ્ટાર હતી. તેની અને નૅટ સિવર-બ્રન્ટ (પચીસ બૉલમાં પચીસ રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૬૮ રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. અલીઝા હીલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ ૭ વિકેટે ૧૫૫ રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે વરસાદના વિઘ્ન બાદ ૧૪ ઓવરમાં મળેલો ૧૧૯ રનનો લક્ષ્યાંક ૧૩.૨ ઓવરમાં (૧૨૧/૫)ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
પ્લેયર ઑફ ધ મૅચ ઍલીસ કૅપ્સી મહિનાની સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં દિલ્હી કૅપિટલ્સની ઑલરાઉન્ડર હતી. જોકે એમાં તેનો સાધારણ પર્ફોર્મન્સ હતો. તેણે ૮ મૅચમાં ૧૫૯ રન બનાવ્યા હતા અને ૬ વિકેટ લીધી હતી. ૨૬ માર્ચે બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની ફાઇનલમાં તે ઝીરોમાં આઉટ થઈ હતી અને પછીથી ૩૪ રનમાં એકેય વિકેટ નહોતી લઈ શકી. જોકે શનિવારે કૅપ્સી વિમેન્સ ઍશિઝમાં અલગ જ અંદાજમાં હતી અને તેણે મૅચ-વિનિંગ ૪૬ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડની જ ડૅની વ્યૉટને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. તેણે સિરીઝમાં કુલ ૧૦૯ રન બનાવ્યા હતા.