15 March, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅટ સાયવર-બ્રન્ટ
ગુરુવારે બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રોમાંચક WPLની એલિમિનેટર મૅચ રમાઈ હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી મુંબઈની ટીમે ૪ વિકેટ ગુમાવીને ૨૧૩ રન ફટકાર્યા હતા જે WPLનો પ્લેઑફનો હાઇએસ્ટ સ્કોર છે. જવાબમાં પહેલી વાર પ્લેઑફ રમી રહેલી ગુજરાતની ટીમ ૧૯.૨ ઓવરમાં ૧૬૬ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૪૭ રનની જીતના આધારે મુંબઈ ઇન્ડિયન્સની ૨૦૨૩ બાદ ફરી એક વાર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
મુંબઈની ઑલરાઉન્ડર્સ હેલી મૅથ્યુઝ (૫૦ બૉલમાં ૭૭ રન) અને નૅટ સાયવર-બ્રન્ટ (૪૧ બૉલમાં ૭૭ રન)એ ટીમ માટે ૭૧ બૉલમાં ૧૩૩ રનની પાર્ટનરશિપ કરી હતી. પ્લેયર ઑફ ધ મૅચ હેલી મૅથ્યુઝે આ મૅચમાં ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે આ સીઝનમાં ૧૭ વિકેટ લઈને ૨૦૨૩ની સીઝનમાં સૌથી વધુ ૧૬ વિકેટ લેવાનો પોતાનો રેકૉર્ડ તોડ્યો છે.
ઇંગ્લૅન્ડની ઑલરાઉન્ડર નૅટ સાયવર-બ્રન્ટે પણ આ સીઝનમાં પાંચમી વાર ફિફ્ટી ફટકારીને અનોખી સિદ્ધિ મેળવી હતી. તે એક WPL સીઝનમાં સૌથી વધુ પાંચ ફિફ્ટી ફટકારનાર પહેલી બૅટર બની છે. તે પહેલેથી જ ૪૯૩ રન સાથે એક સીઝનમાં સૌથી વધુ રન કરનારી બૅટર છે. ૯૯૭ રન સાથે તે WPL ઇતિહાસની હાઇએસ્ટ રન સ્કોરર પણ છે. આજે વધુ ત્રણ રન બનાવીને તે આ ટુર્નામેન્ટમાં ૧૦૦૦ રન પૂરા કરનારી પ્રથમ બૅટર પણ બની શકશે.