વિમ્બલ્ડનમાં ચેક રિપબ્લિકની ક્વિટોવા જીતી, પણ સિક્સ્થ-સીડેડ પ્લિસકોવા હારી

01 July, 2022 01:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હવે ક્વિટોવાનો મુકાબલો ફૉર્થ-સીડેડ પોઉલા બડોસા સાથે થશે

ગઈ કાલે સિંગલ્સના બીજા રાઉન્ડમાં જીતી જનાર ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા (તસવીર : એ.એફ.પી.)

૨૦૧૧માં અને ૨૦૧૪માં વિમ્બલ્ડનનો સિંગલ્સનો તાજ જીતનાર ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા ગઈ કાલે લંડનમાં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં ઍના બૉગડેન સામે સ્ટ્રેઇટ-સેટમાં જીતી હતી, પરંતુ બીજો સેટ સ્ટ્રેઇટફૉર્વર્ડ નહોતો. પ્રથમ સેટ ૬-૧થી જીતી લીધા પછી તેણે બીજા સેટમાં સંઘર્ષ કરવો પડ્યો હતો અને છેવટે ૭-૫થી જીતી હતી.

હવે ક્વિટોવાનો મુકાબલો ફૉર્થ-સીડેડ પોઉલા બડોસા સાથે થશે. સ્પેનની બડોસાએ ગઈ કાલે સેકન્ડ રાઉન્ડમાં રોમાનિયાની ઇરિના બારાને ૬-૩, ૬-૨થી હરાવીને થર્ડ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી.
ગયા વર્ષે વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચેલી ચેક રિપબ્લિકની સિક્સ્થ-સીડેડ કૅરોલિના પ્લિસકોવા ગઈ કાલે બીજા રાઉન્ડમાં બ્રિટનની કૅટી બૉઉલ્ટર સામે ૩-૬, ૭-૬, ૬-૪થી હારી ગઈ હતી. કરીઅરમાં સૌથી મોટો અપસેટ સર્જનાર બૉઉલ્ટર પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમના ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.

પુરુષોમાં લિઆમ બ્રૉડીએ ડિએગો સ્વાર્ટ્ઝમૅનને પાંચ સેટના મુકાબલામાં ૬-૨, ૪-૬, ૦-૬, ૮-૬, ૬-૧થી, સ્ટેફાનોસ સિત્સીપાસે જૉર્ડન થૉમ્પસનને ૬-૨, ૬-૩, ૭-૫થી હરાવ્યો હતો.

sports sports news wimbledon