ભારત જીતી શકશે પ્રથમ વિમેન ટી૨૦ વર્લ્ડ કપ?

08 March, 2020 02:11 PM IST  |  Mumbai Desk

ભારત જીતી શકશે પ્રથમ વિમેન ટી૨૦ વર્લ્ડ કપ?

આ વર્ષની એક પણ મૅચ ન હારેલી અને ખતરનાક ટીમ ઇન્ડિયા ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ચાર વાર વિજેતા ટીમ ઑસ્ટ્રેલિયા સાથે ટક્કર લેશે. પહેલી વાર ફાઇનલમાં દાખલ થનારી ઇન્ડિયન ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવવા કરતાં જીતવા પર ફોકસ કરી રહી છે. ઇતિહાસ પર નજર કરીએ તો આ બે દેશ વચ્ચે ૩૧ ટી૨૦ મૅચ રમાઈ છે, જેમાંથી ઑસ્ટ્રેલિયા ૨૬ વાર જીતી છે. જોકે આ વર્લ્ડ કપમાં પહેલી મૅચ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા સામે રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. ત્યાર બાદથી ઇન્ડિયા એક પણ મૅચ નથી હારી. આ મૅચમાં ટૉસ કોણ જીતશે એ મહત્ત્વનું છે. જો ઇન્ડિયા ટૉસ જીતશે તો તેઓ બૅટિંગ કરીને મોટો ટાર્ગેટ આપવાનો પ્રયત્ન કરશે જેથી ઑસ્ટ્રેલિયાને પ્રેશરમાં મૂકી શકાય. જેમિમાહ રૉડ્રિગ્સ અને શેફાલી વર્મા બન્ને ફોર્મમાં છે તેમ જ હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના પર પણ જવાબદારી વધી ગઈ છે કે તેઓ ફાઇનલમાં સારો સ્કોર બનાવે. શેફાલીએ ચાર મૅચમાં ૧૬૧ રન કર્યા છે. જોકે બીજી તરફ ઑસ્ટ્રેલિયાની બેથ મૂની અને અલિસા હેલીએ પણ અત્યાર સુધીમાં ૩૪૧ રન કર્યા છે.

ઇન્ડિયા માટે ઑસ્ટ્રેલિયાની આ બે વિકેટ ખૂબ જરૂરી છે. બૅટ્સમૅનની સાથે પૂનમ યાદવ અને મૅગન સ્કુટની પણ બોલિંગ પર સૌની નજર રહેશે. તેમણે બન્નેએ આ ટુર્નામેન્ટમાં ૯ વિકેટ લીધી છે. એલિસી પેરી ગેમમાંથી બહાર થઈ હોવાથી ઑસ્ટ્રેલિયાને મોટું નુકસાન છે, પરંતુ ઇન્ડિયા માટે આ સારી વાત છે.

ફાઇનલ પહેલાં હરમનપ્રીતે ટીમને શું સલાહ આપી?

ઇન્ડિયન કૅપ્ટન હરમનપ્રીત કૌરે તેની ટીમને ફાઇનલ પહેલાં મૅચને એન્જૉય કરવાની સલાહ આપી છે. તેઓ આજે ઑસ્ટ્રેલિયા સામે મૅચ રમવા જઈ રહ્યા છે. તેઓ લગભગ એક અઠવાડિયાથી ગ્રાઉન્ડ પર નથી રમ્યા. આ વિશે હરમનપ્રીતે કહ્યું હતું કે ‘અમે ઘણા દિવસથી આઉટડોર નથી રમ્યા તેમ જ ઇંગ્લૅન્ડ સામે પણ અમારી મૅચ નહોતી રમાઈ. અમે બધા ટચમાં છીએ અને ઇન્ડોર ટ્રેઇનિંગ લઈ રહ્યા છીએ. જોકે એનાથી તમને કૉન્ફિડન્સ નથી મળતો, કારણ કે ઇન્ડોર અને આઉટડોરની સરફેસ અલગ હોય છે. દરેક વ્યક્તિ કેવી રીતે ઇન્ડિયાને આગળ લઈ જાય એના વિશે વિચારી રહ્યા છે. અમારા માટે આ ખૂબ જ મોટી ક્ષણ છે. અમને કોણ મુશ્કેલીમાં મૂકી શકે છે એ વિચારવા કરતાં અમે આ ક્ષણને એન્જૉય કરવાનું નક્કી કર્યું છે. અમે અમારાથી બનતો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવાના પ્રયત્ન કરીશું.’

sports sports news cricket news indian womens cricket team t20 world cup