બેન સ્ટૉક્સ વિનાની ઇંગ્લૅન્ડની ટીમ પાકિસ્તાનને ફરી કરશે ડોમિનેટ?

13 August, 2020 02:05 PM IST  |  Mumbai Desk | Agencies

બેન સ્ટૉક્સ વિનાની ઇંગ્લૅન્ડની ટીમ પાકિસ્તાનને ફરી કરશે ડોમિનેટ?

બેન સ્ટૉક્સ

પાકિસ્તાન ક્રિકેટ ટીમને પહેલી ટેસ્ટ મૅચમાં ત્રણ વિકેટથી હરાવ્યા બાદ ઇંગ્લિશ ટીમ આજથી બીજી ટેસ્ટ મૅચ રમી રહી છે. પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે પાકિસ્તાનના હાથમાંથી મૅચ છીનવી લીધી હતી. આ બીજી ટેસ્ટ મૅચ જીતીને જો રૂટની ટીમ સિરીઝ પર કબજો મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહેલી ટેસ્ટમાં મળેલી હારનો બદલો વાળવા અને સિરીઝમાં કમબૅક કરવા મથામણ કરશે.
પાકિસ્તાન સામેની હવે રમાનારી બન્ને ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ રમતો જોવા નહીં મળે. કેટલાંક વ્યક્તિગત કારણોસર તે પોતાના પરિવાર પાસે ન્યુ ઝીલૅન્ડ ગયો છે. જોકે પહેલી ટેસ્ટમાં તે ખાસ કંઈ પર્ફોર્મ નહોતો કરી શક્યો. તેની જગ્યાએ ઇંગ્લિશ ટીમ કોને સ્થાન આપશે એ જોવા જેવું રહેશે. પહેલી ટેસ્ટ મૅચમાં જેમ્સ ઍન્ડરસનને પોતાનો લય જાળવી રાખવામાં ઘણી મથામણ કરવી પડી હતી, પણ આ બીજી ટેસ્ટ મૅચમાં તે રમશે કે નહીં અને રમશે તો શું પોતાનો લય પાછો મેળવી શકશે કે નહીં એ જોવા જેવું રહેશે.
સામા પક્ષે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાછલી મૅચમાં કરેલી પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરશે. આ સિરીઝ જીતવા માટે પાકિસ્તાને હવે બન્ને મૅચ જીતવી પડે એમ છે. તેમના કોચ મિસ્બાહ-ઉલ-હકે ટીમને પ્રેશર હેન્ડલ કરવાની અને ૧૦થી ૧૫ ટકા સુધારો કરવાની સલાહ આપી છે. જોકે દરેકની નજર બાબર આઝમ પર રહેશે. તેણે કોઈ પણ પ્રકારનું પ્રેશર લીધા વગર મૅચ-વિનિંગ ઇનિંગ રમવી પડશે.

sports sports news cricket news pakistan england ben stokes