RCB છોડવાનો ક્યારેય વિચાર ન કરી શકું : વિરાટ કોહલી

26 April, 2020 12:04 PM IST  |  Bangalore | Agencies

RCB છોડવાનો ક્યારેય વિચાર ન કરી શકું : વિરાટ કોહલી

વિરાટ કોહલી

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો કૅપ્ટન વિરાટ કોહલી પોતાની ટીમને છોડવા માટે જરાય તૈયાર નથી. આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી ક્યારેય આ ટીમ આઇપીએલનો ખિતાબ જીતી નથી શકી. સાઉથ આફ્રિકાના પ્લેયર એબી ડિવિલિયર્સ સાથે સોશ્યલ મીડિયામાં વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘હું ટીમને એટલો વફાદાર છું કે એને છોડવાનું હું વિચારી પણ નથી શકતો. હું જ્યાં સુધી આઇપીએલ રમું છું ત્યાં સુધી આ ટીમને હું નહીં છોડું. મારી ટીમ અને હું અમે બન્ને આઇપીએલનું ટાઇટલ જીતવા માગીએ છીએ. હું જાણું છું કે મારે સ્કોર પણ કરવાનો છે પણ સાથે-સાથે હું ટીમને પણ ત્યજવા નથી માગતો. તમે જ્યારે પાછળ ફરીને જુઓ છો ત્યારે તમને મારો અને મારી ટીમ સાથેનો સંબંધ જોવા મળશે. મારી ટીમ સાથે સ્પેશ્યલ મૂવમેન્ટ ક્યારે પણ ચૂકવા નથી માગતો. હું ઇચ્છું છું કે આ વર્ષે આઇપીએલ રમાય.’

હજી સુધી કોઈ ચોખવટ નથી થઈ, પણ આઇપીએલ માટે હું ઘણો આશાવાદી છું : ઇન્ડિયન કૅપ્ટન

ઇન્ડિયન પ્રીમિયર લીગની તેરમી સીઝન ક્યારે યોજાશે એ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ એવામાં ઘણા પ્લેયર્સ ઇચ્છે છે કે આ વર્ષે આઇપીએલ રામાય અને એ માટે તેઓ ઘણા આશાસ્પદ છે. આ આશાસ્પદ પ્લેયરોમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. આ વિશે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે ‘હજી સુધી કોઈ પણ પ્રકારની ચોખવટ અમારી પાસે નથી, પણ આ વર્ષે આઇપીએલ રમાય એ માટે હું ઘણો આશાવાદી છું. મને નથી લાગતું કે સ્થિતિ પહેલાં જેવી થશે છતાં આપણે આપણો અહમ્ બાજુએ મૂકીને ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ. લોકો જે કમાણી કરતા હોય છે તેમની તરફ એક વાર નજર કરી જુઓ. લોકો આજે દરેક વસ્તુને એન્જૉય કરતા થઈ ગયા છે અને જે સિરિયસનેસ હતી એ ક્યાંક ભૂલી ગયા છીએ. ખરું કહું તો માનવતા ખીલીને દેખાઈ રહી છે. આપણે લૉકડાઉનમાં એક લાંબો સમય કાઢ્યો છે. આપણા દેશના લીડરોએ પણ ઘણું સારું કામ કર્યું છે. સ્પોર્ટ્સની લાઇફમાં આવો કપરો સમય ક્યારેક આવશે એવું મેં વિચાર્યું પણ નહોતું. ખરું કહું તો સ્પોર્ટ આપણને પછાડીને પાછા બેઠા થવાનું શીખવાડે છે. આ દરેક વ્યક્તિને એક પ્રકારનું પ્રોત્સાહન પણ આપે છે અને તેની સાચી લાગણીઓને વાચા પણ આપે છે.’

virat kohli royal challengers bangalore ipl 2020 indian premier league cricket news sports news