કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દીનના મૅચ-ફિક્સિંગના કેસ શા માટે બંધ થયા અને ફરીથી ખોલવામાં ન આવ્યા?

09 September, 2025 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે હાલમાં કપિલ દેવથી મહેન્દ્ર સિંહ ધોની જેવા ભૂતપૂર્વ કૅપ્ટન્સ પર રોષ વ્યક્ત કર્યો છે

યોગરાજ સિંહ, કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દીન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે હાલમાં કપિલ દેવથી મહેન્દ્ર સિંહ ધોની જેવા ભૂતપૂર્વ કૅપ્ટન્સ પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ‘સુપ્રીમ કોર્ટમાં મૅચ-ફિક્સિંગની ફાઇલ ક્યાં બંધ પડી છે? મૅચ-ફિક્સિંગમાં પહેલાં કપિલ દેવનું નામ હતું, પછી મોહમ્મદ અઝહરુદ્દીનનું અને બીજા ઘણા પ્લેયર્સનું. એ ફાઇલ કેમ બંધ કરવામાં આવી અને ફરીથી ખોલવામાં ન આવી? કારણ કે ઘણા ક્રિકેટર્સની પ્રતિષ્ઠાને નુકસાન થવાનું હતું.’ 

૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ પ્રભાકર દ્વારા મૅચ-ફિક્સિંગનો આરોપ લાગ્યા બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૭માં મનોજ પ્રભાકરે કહ્યું હતું કે ‘કપિલે તેને ખરાબ પ્રદર્શન કરવા માટે પૈસાની ઑફર કરી હતી, પરંતુ CBIએ તેમના અંતિમ રિપોર્ટમાં તેને બધા આરોપોમાંથી મુક્ત કર્યો હતો.’

બુકી સાથેના સંપર્ક અને  મૅચ-ફિક્સિંગના આરોપને કારણે વર્ષ ૨૦૦૦માં મોહમ્મદ અઝહરુદ્દીનના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો. વર્ષ ૨૦૧૨માં આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે તેના પ્રતિબંધને અયોગ્ય જાહેર કર્યો હતો. આ ઇન્ટરવ્યુમાં યોગરાજ સિંહે વધુમાં ધોની પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘બિશન સિંહ બેદી, કપિલ દેવ અને એમ. એસ. ધોનીએ પ્લેયર્સ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. હું ખુલ્લેઆમ કહું છું કે આપણા ક્રિકેટર્સ અને ટીમને આપણા કૅપ્ટન્સે બરબાદ કરી દીધાં છે. ઇરફાન પઠાન, ગૌતમ ગંભીર, વીરેન્દર સિંહ સેહવાગ, હરભજન સિંહ પણ ધોનીની ટીકા કરી ચૂક્યા છે. તેના વર્તન સામે ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે. તેની સામે જ્યુરી બેસાડવી જોઈએ અને પૂછવું જોઈએ કે તેં આવું કેમ કર્યું. જો તે જવાબ આપવા ઇચ્છતો ન હોય તો એમ સમજવું જોઈએ કે  તેનો અંતરાત્મા દોષિત છે.’

sports sports news cricket news indian cricket team yuvraj singh kapil sharma mohammad azharuddin mahendra singh dhoni