સચિનને કૅમ્પમાં લેવાની કેમ આચરેકરે પહેલાં ના પાડી?

03 January, 2019 10:53 AM IST  | 

સચિનને કૅમ્પમાં લેવાની કેમ આચરેકરે પહેલાં ના પાડી?

ટીનેજર સચિન તેન્ડુલકરને ફૉર્વર્ડ ડિફેન્સ શીખવાડતા રમાકાન્ત આચરેકર.

નમસ્તે સર, આ રીતે અમે રમાકાન્ત આચરેકર સરને હંમેશાં બોલાવતા. આજે સર તેમની ૭૯મી વરસગાંઠની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે તેમના વિશે જેટલું પણ કહું એટલું ઓછું જ છે. મને યાદ છે ૧૯૮૫માં મારો મોટો ભાઈ અજિત મને સર પાસે લઈ ગયો. શરૂઆતમાં તેમણે થોડો ખચકાટ અનુભવ્યો અને કહ્યું તે ઘણો નાનો (૧૨ વર્ષ) છે. તેને છ મહિના કે એક વર્ષ બાદ લઈ આવજે.

 મારા ભાઈએ મને રમતો જોયો હતો એથી તેણે સરને વિનંતી કરી કે એક અઠવાડિયા સુધી જોઈ લો. મને ખબર પણ ન પડી એ રીતે સર મને જોતા હતા. એક અઠવાડિયા પછી તે મને સમર કૅમ્પમાં રાખવા માટે રાજી થયા. દોઢ મહિના બાદ તેમણે મને શારદાશ્રમ સ્કૂલમાં ઍડ્મિશન અપાવ્યું જ્યાં તે કોચ હતા. બસ, ત્યારથી મારા લાંબા પ્રવાસની શરૂઆત થઈ. શારદાશ્રમ વિદ્યામંદિરમાં સર હંમેશાં મારી આસપાસ રહેતા.

 સર અને મારા ભાઈ વચ્ચે સારી સમજણ હતી. તેઓ ઘણી ચર્ચા કરતા જેણે મને યોગ્ય માર્ગદર્શન આપ્યું. સર વિવિધ મૅચો રમવા માટે તેમના સ્કૂટર પર મને બેસાડીને લઈ જતા. જો હું સારું રમતો તો તેઓ મને ભેલપૂરી, પાણીપૂરી અને વડાપાંઉની પાર્ટી આપતા. સર ઘણા ઉદાર હતા. તેમને લાગતું કે કોઈ ખેલાડી તેમની મન્થ્લી ફી આપી શકે એમ નથી તેઓ તેની પાસે ક્યારેય ફી નહોતા માગતા. તેઓ ઘણી મૅચ અમને ખબર ન હોય એ રીતે જોતા. કોઈ ઝાડ પાછળ સંતાઈને તેઓ દરેક ખેલાડીની ભૂલ ટપકાવતા. મૅચ બાદ સમીક્ષા થતી જેમાં અન્ય ખેલાડી પાસે એનું પઠન કરાવતા. ત્યારે અમને ખબર પડતી કે સરે તો આખી મૅચ જોઈ છે, પરંતુ અમને તો સર ક્યાંય દેખાયા નહોતા. તેઓ દરેક વાતની નોંધ રાખતા, જે તેમના મતે ટીમને ખબર પડવી જરૂરી હતી. ભલે ઘણી વખત મૅચ દરમ્યાન તે હાજર ન હોય પરંતુ અમને તે હંમેશાં અમારી આસપાસ હોય એવું લાગતું રહેતું. અમને એક વાત તેમણે ખબર પાડી હતી. કોઈને ઉલ્લુ બનાવવાના પ્રયત્ન ન કરતા, કારણ કે સર હંમેશાં આસપાસ ક્યાંક છુપાયા હશે, જેની અમને ખબર નહીં હોય.

 અમે જેટલો તેમને પ્રેમ કરતા, તેમની સાથે હસીમજાક કરતા એટલો જ અમને તેમનાથી ડર પણ લાગતો હતો. જો તેઓ ગુસ્સે થતા તો કોઈ પણ એને બચાવી ન શકે. તેમણે કેટલીક વાતો કહી હતી જેનું તમારે ધ્યાન રાખવાનું હતું. જો એમ છતાં તમે ભૂલ કરવાનું ચાલુ રાખો તો તમને ખરાબ રીતે કહેતા અચકાતા નહોતા. મારી રમતમાં કેટલીક ભૂલો બદલ તેમણે મને લાફા માર્યા હતા, પરંતુ એ ક્ષણે મારા જીવનને બદલી નાખ્યું. સર જ્યારે પણ કંઈ કહેતા તો એ વાત અમારા ભલા માટે જ હતી.

 અમે તેમની બધી જ વાતો માનતા હતા. તેમણે અમને રમત પ્રત્યે માન રાખતાં શીખવ્યું. જો કોઈ વ્યક્તિ રમત કરતાં વધુ હોશિયાર બનવા જશે તો રમત તેને ફરી ધરતી પર લાવી દેશે. કોઈ પણ વ્યક્તિ કરતાં રમત વધુ મહત્વની છે. વળી ટીમ સૌથી પહેલાં છે. તેમની આ શીખ અમારી સમગ્ર કરીઅર દરમ્યાન મહkવની સાબિત થઈ.

આ પણ વાંચોઃ સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 86 વર્ષની વયે નિધન

 સર શારીરિક અને માનસિક રીતે ઘણા મજબૂત હતા. રમત પ્રત્યેનો રસ તેમણે ક્યારેય ગુમાવ્યો નહોતો. તબિયત ખરાબ હોવા છતાં જાતે ચાલીને શિવાજી પાર્કમાં મૅચ જોવા જતા. અમે જ્યારે પણ મïળતા અમારા જૂના દિવસો યાદ કરતા. થોડોક સમય વર્તમાન મૅચ, ખેલાડીઓ વિશે પણ વાત કરતા. થોડા દિવસ પહેલાં જ તેઓ મારા નવા ઘરે આવ્યા. મને બહુ ખુશી થઈ. આવી જ ખુશી જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે બાંદરા (ઈસ્ટ)ના મારા સાહિત્ય સહવાસના ઘરે આવ્યા ત્યારે થયો હતો. જોકે એમને ઘરે બોલાવવા સરળ નહોતા. તેમણે મને કહ્યું હતું કે તું જ્યારે સારા રન બનાવીશ ત્યારે હું ઘરે આવીશ, એથી જ્યારે મેં પહેલી સદી ફટકારી ત્યારે મેં તેમને ઘરે બોલાવ્યા હતા.

sachin tendulkar cricket news sports news