ધોની આ કારણથી છે ટીમ ઈન્ડિયાથી દૂર, થયો ખુલાસો

26 September, 2019 02:31 PM IST  |  મુંબઈ

ધોની આ કારણથી છે ટીમ ઈન્ડિયાથી દૂર, થયો ખુલાસો

ભારતીય ફેન્સ વર્લ્ડ કપ 2019ની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મહેન્દ્રસિંહ ધોનીના રન આઉટને ક્યારેય નહીં ભૂલે. કારણ કે એ થોડીક ઈંચના ગેપે ભારતની વર્લ્ડ કપ જીતવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. મનાઈ રહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે, તો ધોનીની એ છેલ્લી ઈન્ટરનેશનલ વન ડે હશે, પરંતુ ભારતીય ટીમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

ત્યાર બાદ એવી ચર્ચા હતી કે 38 વર્ષના ધોની ગમે ત્યારે નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ ધોની તો જાણે ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી ગાયબ જ થઈ ગયા. ન તો મેચ રમી રહ્યા છે, ન તો સંન્યાસની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ બાદ ધોનીએ જમ્મુ કાશ્મીરમાં લેફન્ટન્ટ કર્નલ તરીકે ભારતીય સૈન્ય સાથે 15 દિવસ ટ્રેનિંગ લઈને સેવા આપી. જો કે હવે એ ખુલાસો થઈ ચૂક્યો છે કે ધોની કેમ ટીમ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે ?

સતત ત્રણ સિરીઝ નથી રમી રહ્યા ધોની

વર્લ્ડ કપ બાદ ધોની સતત 2 સિરીઝ નથી રમ્યા બાદમાં બાંગ્લાદેશ વિરુદ્ધની ટી20 સિરીઝ માટે પણ ધોનીએ પોતાની જાતને ઉપલબ્ધ નથી ગણાવી. ત્યારે કહેવાઈ રહ્યું છે કે ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. અને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં પણ નહીં રમે. પરંતુ ધોની ક્રિકેટથી દૂર કેમ છે, તેના કારણનો ખુલાસો એક અંગ્રેજી વેબસાઈટે કર્યો છે.

આ છે કારણ

રિપોર્ટ્સ પ્રમાણે ધોનીને કાંડાની સાથે સાથે બેકની ઈન્જરી થઈ છે, જેને કારણે તે ક્રિકેટથી દૂર છે. આઈપીએલ 2019 દરમિયાન તેમને કમરમાં ઈજા થઈ હતી, જેને કારણે ધોનીએ એક મેચ પણ મિસ કરી હતી. આ માટે ધોનીએ સારવાર લીધી અને પછી વર્લ્ડકપ રમવા પહોંચ્યા. વર્લ્ડ કપ દરમિયાન ધોનીની ઈજા વકરી. સાથે સાથે કાંડામાં પણ ઈજા થઈ, એટલે ધોની ક્રિકેટ નથી રમી રહ્યા.

આ પણ વાંચોઃ મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ બાદ ચલાવી સુપરબાઈક, જુઓ વીડિયો

જો કે હજી પણ ધોનીની ઈજા કે તેમના કમબેકને લઈ BCCI કે ધોનીએ સત્તાવાર નિવેદન નથી આપ્યું. બીજી તરફ માહીના ફેન્સ તેમને ફરી ગ્રાઉન્ડ પર જોવા ઈચ્છે છે. રિષભ પંત સતત નિષ્ફળ જઈ રહ્યા છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે જ્યાં સુધી રિષભ પંત ટી 20 વર્લ્ડ કપ માટે તૈયાર ન થાય ત્યાં સુધી ધોની નિવૃત્તિ નહીં જાહેર કરે.

sports mahendra singh dhoni ms dhoni sports news