વરિષ્ઠ ખેલાડીઓ પર વરસ્યા સુનીલ ગાવસ્કર, કહ્યું IPLમાં આરામ કેમ નથી લેતા?

12 July, 2022 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે તેઓ એ વાત સાથે સહમત નથી કે ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી આરામ લે છે

સુનીલ ગાવસકર

રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા વરિષ્ઠ ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી આરામ આપવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ભારતના સિનિયર ખેલાડીઓની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા છે. સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે તેઓ એ વાત સાથે સહમત નથી કે ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી આરામ લે છે, પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આરામ વિના રમે છે.

ગાવસ્કરે કહ્યું કે “હું ખેલાડીઓને આરામ આપવાની કલ્પના સાથે સહમત નથી. જરાય નહિ. જો તમે આઈપીએલ દરમિયાન આરામ નથી કરતા તો ભારત માટે રમતી વખતે આવી માગ શા માટે કરો છો. હું આ સાથે સહમત નથી. તમારે ભારત માટે રમવું પડશે. આરામ વિશે વાત કરશો નહીં.”

ગાવસ્કરે વધુમાં કહ્યું કે “T20માં એક ઇનિંગમાં માત્ર 20 ઓવર હોય છે. તે તમારા શરીર પર કોઈ અસર કરશે નહીં. ટેસ્ટ મેચમાં મન અને શરીરને અસર થાય છે, હું સમજી શકું છું, પરંતુ મને નથી લાગતું કે T20માં કોઈ સમસ્યા છે.”

પૂર્વ કેપ્ટને કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) આ છૂટછાટની નીતિમાં હસ્તક્ષેપ કરે તો સારું રહેશે. ગાવસ્કરે કહ્યું કે “મને લાગે છે કે બીસીસીઆઈએ છૂટછાટની આ ધારણાને જોવાની જરૂર છે. A ગ્રેડના તમામ ક્રિકેટરોને ખૂબ સારા કોન્ટ્રાક્ટ મળ્યા છે. તેમને દરેક મેચ માટે પૈસા મળે છે. મને કહો, શું એવી કોઈ કંપની છે જે તેના સીઈઓ અથવા મેનેજિંગ ડિરેક્ટરને આટલી રજા આપે છે.”

ઉલ્લેખનીય છે કે ત્રણ વન-ડે સિવાય ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમશે. વનડે માટે નિયમિત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં શિખર ધવનને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે.

sports news cricket news indian cricket team indian premier league sunil gavaskar