બર્થ-ડે બૉય્‍સ જાડેજા, બુમરાહ, શ્રેયસ પર અભિનંદનની વર્ષા

07 December, 2021 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલનો દિવસ (૬ ડિસેમ્બર) ભારતીય ક્રિકેટ માટે સ્પેશ્યલ હતો

રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયર

ગઈ કાલનો દિવસ (૬ ડિસેમ્બર) ભારતીય ક્રિકેટ માટે સ્પેશ્યલ હતો, કારણ કે આ દિવસે ભારતની વર્તમાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા ત્રણ ખેલાડીઓ, એક ભૂતપૂર્વ પ્લેયર અને એક ભારત વતી રમી ચૂકેલા ખેલાડીનો જન્મદિવસ હતો. એમાં રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયરનો તેમ જ આર. પી. સિંહ અને કરુણ નાયરનો સમાવેશ હતો. આમ તો આ પાંચેપાંચ પ્લેયરને ભારતીય ક્રિકેટ બોર્ડનાં અભિનંદન મળ્યાં હતાં, પરંતુ ટીમના રેગ્યુલર ખેલાડી કહી શકાય એવા ત્રણ પ્લેયર (જાડેજા, બુમરાહ, શ્રેયસ)ની ઇમેજિસને એકમેક સાથે જોડીને સંયુક્ત ઇમેજને બીસીસીઆઇએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર અપલોડ કરી હતી.
જાડેજા ૩૪મા વર્ષમાં પ્રવેશ્યો
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈ કાલે ૩૩ વર્ષ પૂરાં કરીને ૩૪મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામેની કાનપુરની પહેલી ટેસ્ટમાં થયેલી ઈજાને કારણે તે વાનખેડેની બીજી ટેસ્ટમાં નહોતો રમ્યો. તે ભારતનો અત્યંત મહત્ત્વનો ખેલાડી છે અને ત્રણેય ફૉર્મેટમાં રમે છે. આઇપીએલ માટે ચેન્નઈ સુપર કિંગ્સે તેને સૌથી ઊંચા ૧૬ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ-મની સાથે (કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ) રિટેન કર્યો છે.
બુમરાહે ૨૮ વર્ષ પૂરાં કર્યાં
અમદાવાદમાં રહેતા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ગઈ કાલે ૨૯મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેને ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. છેલ્લે તે યુએઈના ટી૨૦ વર્લ્ડ કપમાં રમ્યો હતો. હવે સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે તે તૈયારી કરી રહ્યો છે.
શ્રેયસ માટે યાદગાર જન્મદિવસ
ગઈ કાલે ૨૭ વર્ષ પૂરાં કરીને ૨૮મા વર્ષમાં પ્રવેશ કરનાર ભારતીય ટેસ્ટ-ટીમના નવા ખેલાડી શ્રેયસ ઐયર માટે આ તબક્કો યાદગાર છે. તે ગયા અઠવાડિયે કાનપુરની ડેબ્યુ ટેસ્ટમાં ૧૦૫ અને ૬૫ રન બનાવીને કરીઅરની પહેલી જ ટેસ્ટમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ગઈ કાલે પૂરી થયેલી છેલ્લી ટેસ્ટ (૧૮ અને ૧૪ રન)માં તે સારું નહોતો રમ્યો અને બન્ને દાવમાં સ્પિનર અજાઝ પટેલનો શિકાર થયો હતો. જોકે મિડલ-ઑર્ડરમાં સ્થાન મજબૂત બનાવી લેવા માટે તેને સારો મોકો છે.

sports sports news cricket news