27 November, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલી
વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ પર ભારતીય ટેસ્ટ-ટીમની કારમી હાર પર મહત્ત્વપૂર્ણ પોસ્ટ કરી હતી. તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે આપણે બહારની પરિસ્થિતિમાં પણ જીતવા માટે રમતા હતા. હવે આપણે ભારતમાં પણ મૅચ બચાવવા માટે રમી રહ્યા છીએ. જ્યારે તમે બૉસ બનવાનો પ્રયાસ કરો છો અને જે વસ્તુઓ ખરાબ થઈ નહોતી એને બદલવાનો પ્રયાસ કરો છો ત્યારે આવું જ થાય છે.’
ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં શું થયું એ વિશે પોતાના વિચારો મૂકતાં તેણે લખ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાની વ્યૂહરચના હતી કે અનુભવી ખેલાડીઓને દૂર કરો. ૩, ૪, ૫ નંબરના નિષ્ણાત બૅટ્સમેનોને દૂર કરો. નંબર ૩ પર બોલરને રમાડો. ઑલરાઉન્ડરનો ઉપયોગ કરો. સાઉથ આફ્રિકાની વ્યૂહરચના હતી કે યોગ્ય ટેસ્ટ-મૅચ ટીમ સાથે રમો. નિષ્ણાત ઓપનર્સ, નિષ્ણાત નંબર ૩, ૪, ૫, ૬ બૅટ્સમેન, નિષ્ણાત સ્પિનર્સ, નિષ્ણાત ઝડપી બોલર અને કદાચ ૧ ઑલરાઉન્ડર. હું ખરેખર ટીમ ઇન્ડિયાને જીતતા જોવા માગું છું, પણ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હાર માટે જવાબદાર કોણ છે?’
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરના આવ્યા પછી અનુભવી ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટને જ્યારે રવિચન્દ્રન અશ્વિન તથા ચેતેશ્વર પુજારાએ ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.