શ્રીનાથનું ટ્રાઉઝર બદલવા માટે બદાણીને શા માટે કહ્યું હતું સચિને?

03 July, 2020 03:40 PM IST  |  New Delhi | Agencies

શ્રીનાથનું ટ્રાઉઝર બદલવા માટે બદાણીને શા માટે કહ્યું હતું સચિને?

હેમાંગ બદાણી અને સચિન તેન્ડુલકર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર હેમાંગ બદાણીએ તાજેતરમાં સચિન તેન્ડુલકરે જાવાગલ શ્રીનાથ સાથે કરેલો એક પ્રેન્ક યાદ કર્યો હતો જેમાં સચિન તેન્ડુલકરે તેને પોતાનું ટ્રાઉઝર શ્રીનાથના ટ્રાઉઝર સાથે બદલી લેવાનું કહ્યું હતું. આ પ્રેન્ક સચિને ૨૦૦૨માં કટકમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી વન-ડે પહેલાં રિલેક્સેશન માટે કર્યું હતું. એ કિસ્સો યાદ કરતા હેમાંગે કહ્યું કે ‘કેટલાંક કારણસર શ્રીનાથ કટકની મૅચ પહેલાં ઘણો નર્વસ હતો. જાવાગલ હંમેશાં કૉન્ફિડન્ટ રહે છે છતાં એ દિવસે તે ઘણો નર્વસ હતો. હું એ ગેમ નહોતો રમી રહ્યો. એ મૅચ પહેલાં સચિને મને એક કામ કરવાનું કહ્યું. શ્રીનાથને પોતાના સામાન્ય સ્વભાવમાં પાછો લાવવા એ પ્રેન્ક કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે શ્રીનાથ ૬.૨-૬.૩ની હાઇટ ધરાવતો હતો, જ્યારે સચિન માંડ ૫.૫-૫.૬ની હાઇટનો હતો એટલે આ બન્નેનાં કપડાં એકબીજાને થાય એમ નહોતાં. સચિને મને કહ્યું કે અમારાં બન્નેનાં ટ્રાઉઝર એક્સચેન્જ કરી નાખ. મારું ટ્રાઉઝર શ્રીનાથના બૅગ પર મૂકી દે અને તેનું ટ્રાઉઝર તું જ્યાં છુપાવી શકતો હોય ત્યાં છુપાવી દે. પછી એ મારી બૅગમાં છુપાવ કે તારી બૅગમાં કે બીજી કોઈ પણ જગ્યાએ, પણ એ ટ્રાઉઝર તેની નજરથી દૂર કર. શ્રીનાથ પ્રૅક્ટિસ કર્યા બાદ જ્યારે ડ્રેસિંગરૂમમાં આવ્યો ત્યારે બૅગ પર પડેલું ટ્રાઉઝર પહેરીને મેદાનમાં રમવા જતો રહ્યો. પહેલો બૉલ નાખ્યા બાદ દર્શકો અને બધા પ્લેયર પણ હસવા માંડ્યા હતા. એવામાં કોઈકે તેની તરફ ઇશારો કરીને તેને કહ્યું કે શ્રી તારા ટ્રાઉઝર તરફ જો. એ ઘણું નાનું છે. ત્યાર બાદ તેને ખબર પડી હતી કે તેની સાથે શું થયું છે. આ હળવાફૂલ વાતાવરણને કારણે શ્રીનાથ પોતાનો લય પામી શક્યો હતો અને એ મૅચમાં તેણે પોતાનો સારો સ્પેલ નાખ્યો હતો. જોકે એક ઓવર નાખ્યા બાદ જ્યારે તે ડ્રેસિંગરૂમમાં આવ્યો ત્યારે તેણે મને જ પૂછ્યું કે આ બધું કોણે કર્યું? ત્યારે મેં નિર્દોષ રીતે કહ્યું કે ‘તું શાની વાત કરે છે? મને કાંઈ ખબર નથી.’ ટ્રાઉઝર બદલીને તે મેદાન પર ગયો અને સારો સ્પેલ નાખવામાં સફળ રહ્યો હતો.’

શ્રીનાથે એ મૅચમાં ૯ ઓવરમાં ૪૧ રન આપીને એક વિકેટ લીધી હતી જે તેની બીજી સર્વશ્રેષ્ઠ ઇકૉનૉમી રેટ બની હતી.

sachin tendulkar cricket news sports news