સાઉથ આફ્રિકાએ છેલ્લા બૉલ સુધી રોમાંચક ત્રીજી ટી૨૦ મૅચમાં વિન્ડીઝને ૧ રનથી હરાવ્યું

01 July, 2021 02:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લી ઓવરમાં ૧૫ રન જોઈતા હતા ત્યારે વેસ્ટ ઇન્ડીઝના ફૅબિયન ઍલને છેલ્લા બૉલમાં સિક્સર ફટકારી હતી

વિજય બાદ રબાડાને અભિનંદન આપતો ડ્વેઇન બ્રાવો (તસવીરઃ એ.એફ.પી.)

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ છેલ્લી ઓવરમાં ૧૫ રન ન કરવા દીધા તેમ જ તબરેઝ શમ્સીની કરકસર બોલિંગને કારણે સેન્ટ જર્યોજમાં રમાયેલી ત્રીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડીઝને એક રનથી હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં ૧૫ રન જોઈતા હતા ત્યારે વેસ્ટ ઇન્ડીઝના ફૅબિયન ઍલને છેલ્લા બૉલમાં સિક્સર ફટકારી હતી, તેમ છતાં જીત માટે ૮ વિકેટે ૧૬૭ રનના લક્ષ્યાંકના જવાબમાં તેઓ માત્ર ૭ વિકેટે ૧૬૬ રન જ કરી શક્યા હતા. આ વિજયને કારણે પાંચ મૅચોની સિરીઝમાં સાઉથ આફ્રિકા ૨-૧થી આગળ છે. ચાર ઓવરમાં ૧૩ રન આપી બે વિકેટ લેનાર તબરેઝને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો.

એ પહેલાં કૅરિબિયન ફાસ્ટ બોલર ઓબે મેકોયે ચાર ઓવરમાં ૨૨ રન આપી ૪ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડ્વેઇન બ્રાવોએ પણ ૨૫ રન આપી ૩ વિકેટ લીધી હતી. એવું લાગતું હતું કે સાઉથ આફ્રિકાને ૧૫૦ રનની અંદર જ રોકેશે, પરંતુ ક્વિન્ટન ડી કૉકે ૫૧ બૉલમાં ૭૨ રન કરતાં સ્કોર ૧૬૭ સુધી પહોંચાડ્યો હતો.

sports sports news cricket news t20 t20 international south africa west indies