ન્યૂઝ શૉર્ટમાં : વેસ્ટ ઇન્ડીઝ ટીમનું થયું નેપાલમાં વિચિત્ર સ્વાગત અને વધુ સમાચાર

26 April, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર ૧૭ વર્ષની ઇન્ડોનેશિયન બોલર રોહમાલિયાએ T20માં રચ્યો ઇતિહાસ , પાકિસ્તાની ક્રિકેટરો કરતાં વધુ કમાણી કરશે ભારતના ડોમેસ્ટિક રમતા પ્લેયર્સ? , ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યો હુમલો, પેટ ડૉગે બચાવી લીધો જીવ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ

ભારતમાં અતિથિને દેવ સમાન માનીને તેમનું સ્વાગત કરીને મહેમાનનવાઝી કરવામાં આવે છે, પણ લાગે છે કે ભારતના પાડોશી દેશ નેપાલમાં આ કહેવત લાગુ થતી નથી. ૧ જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2024 પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ નેપાલ સામે પાંચ મૅચની T20 સિરીઝ રમવા માટે ગઈ કાલે નેપાલ પહોંચી હતી. નેપાલમાં વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીના સ્વાગતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઍરપોર્ટથી બહાર નીકળેલા ખેલાડીઓ જાતે જ લોડર પર પોતાનો સામાન લોડ કરતા જોવા મળ્યા હતા. હોટેલ લઈ જવા માટે આવેલી બસ પણ ખૂબ જ સામાન્ય હતી. આધુનિક સમયમાં કોઈ ક્રિકેટ ટીમનું આવું સ્વાગત તમે ભાગ્યે જ જોયું હશે. 

માત્ર ૧૭ વર્ષની ઇન્ડોનેશિયન બોલર રોહમાલિયાએ T20માં રચ્યો ઇતિહાસ

ઇન્ડોનેશિયાની બોલર રોહમાલિયાએ T20 ઇન્ટરનૅશનલમાં ડેબ્યુ કરતાં અસાધારણ બોલિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. ૧૭ વર્ષની રોહમાલિયાએ મોંગોલિયા સામે ૩.૨ ઓવર ફેંકી હતી. ૨૦ બૉલ ફેંકતાં તેણે એક પણ રન આપ્યા વગર ૭ વિકેટ ઝડપી હતી. આ પહેલાં ઘાતક બોલિંગનો આ રેકૉર્ડ નેધરલૅન્ડ્સની ફ્રેડરિક ઓવરડિજ્કના નામે હતો. તેણે ૨૦૨૧માં ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં ફ્રાન્સ સામે ૪ ઓવર ફેંકી ૩ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. ૨૦૧૯માં મૉલદીવ્ઝ સામે નેપાલની બોલર અંજલિ ચંદે બે ઓવર ફેંકીને લીધેલી ૬ વિકેટના શ્રેષ્ઠ ડેબ્યુડન્ટ તરીકેના વર્લ્ડ રેકૉર્ડને પણ તોડ્યો હતો.

પાકિસ્તાની ક્રિકેટરો કરતાં વધુ કમાણી કરશે ભારતના ડોમેસ્ટિક રમતા પ્લેયર્સ?
ભારતીય ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટર્સને ગુડ ન્યુઝ આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણજી ટ્રોફીની સીઝનમાં ૧૦ મૅચ રમનાર ખેલાડી ૭૫ લાખથી ૧ કરોડ રૂપિયા કમાઈ શકે છે. અત્યાર સુધી એક અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર રણજી સીઝનમાં લગભગ ૨૫ લાખ રૂપિયા કમાઈ શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવાથી વંચિત રહેલા ક્રિકેટર્સ માટે ક્રિકેટ બોર્ડ આ નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાનમાં ‘એ’ શ્રેણીના ખેલાડીઓને ભારતીય કરન્સી પ્રમાણે દર મહિને ૧૩.૧૫ લાખ રૂપિયા મળે છે. હવે જો કોઈ ભારતીય ક્રિકેટર એક મહિનામાં ૨-૩  રણજી મૅચ રમે તો પણ તે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન કરતાં વધુ કમાણી કરી શકે છે. 

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યો હુમલો, પેટ ડૉગે બચાવી લીધો જીવ

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ગાય વ્હિટલ પર હાલમાં દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયેલા આ ક્રિકેટરનો જીવ તેના પાળતુ શ્વાને બચાવ્યો હતો. તેની પત્નીએ તેનો લોહીથી લથબથ ફોટો શૅર કર્યો હતો. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૩માં ગાય વ્હિટલના પલંગની નીચે ૮ ફુટ લાંબો મગર આવ્યો હતો. ૫૧ વર્ષના ગાય ​વ્હિટલની હાલમાં સારવાર ચાલી રહી છે. 

sports news sports cricket news west indies nepal board of control for cricket in india pakistan