વાઇટવૉશ કા બદલા વાઇટવૉશ

15 February, 2021 01:10 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

વાઇટવૉશ કા બદલા વાઇટવૉશ

બંગલા દેશ-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચના ચોથા દિવસે મહેમાન વેસ્ટ ઇન્ડીઝે ૧૭ રનના નજીવા અંતરથી મૅચ જીતીને બંગલા દેશનો તેની જ ધરતી પર વાઇટવૉશ કરી વન-ડે સિરીઝમાં મળેૅલા વાઇટવૉશનો બદલો વાળ્યો હતો. વિન્ડીઝને બીજી ઇનિંગમાં ૧૧૭ રને પૅવિલિયનમાં મોકલીને મૅચ જીતવા બંગલા દેશને ૨૩૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ બીજી ઇનિંગમાં તેઓ માત્ર ૨૧૩ રન કરી શકતાં ૧૭ રને મૅચ ગુમાવી હતી.

મૅચના ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝે ત્રણ વિકેટે ૪૧ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ટીમના માત્ર ત્રણ પ્લેયર્સ જ બેઅંકી સ્કોર નોંધાવી શક્યા હતા. ઍન્ક્રુમાહ બોનરે સૌથી વધુ ૧૨૦ બૉલમાં ૩૮ રન અને જોશુઆ ડા સિલ્વાએ ૨૦ રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તૈજુલ ઇસ્લામને ચાર, નઈમ હસનને ત્રણ, અબુ જાયેદને બે અને મેહંદી હસનને એક વિકેટ મળી હતી.

મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરવા બંગલા દેશને ૨૩૧ રનનું લક્ષ્ય મળ્યું હતું, પણ જે પ્રમાણે તેમણે બોલિંગમાં કમાલ કરી હતી એ પ્રમાણે બૅટિંગમાં તેઓ કમાલ કરી શક્યા નહોતા. પહેલી વિકેટ માટે તેમણે ૫૯ રનની પાર્ટનરશિપ કરી હતી, પણ ત્યાર બાદ તેમનો કોઈ પ્લેયર લાંબું ટકી શક્યો નહોતો. રહકીમ કૉર્નવેલની વેધક બોલિંગે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લઈને કુલ ૯ વિકેટ મેળવી હતી, જ્યારે જોમેલ વેરિકેન અને ક્રેગ બ્રેથવેટે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જેના લીધે ઓપનર તમિમ ઇકબાલ સિવાય કોઈ પણ પ્લેયર હાફ સેન્ચુરી સુધી નહોતો પહોંચી શક્યો. તમિમે ૪૬ બૉલમાં ૯ ચોગ્ગા ફટકારીને ૫૦ રન કર્યા હતા, જ્યારે મેહંદી હસન ૩૧ અને મોમિનુલ હક ૨૬ રન કરીને આઉટ થયા હતા.

ટેસ્ટ ક્રિકેટ કરીઅરની પહેલી ટેસ્ટ-સિરીઝ રમી રહેલા ઍન્ક્રુમાહ બોનરને પ્લેયર ઑફ ધ સિરીઝ, જ્યારે રહકીમ કૉર્નવેલને પ્લેયર ઑૅફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

sports sports news cricket news west indies bangladesh