01 August, 2025 07:06 AM IST | London | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં ભારતે એના સૌથી કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાની ગઈ કાલે મનાઈ કરી દીધી છે. પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે રમતગમત ક્ષેત્રમાં પણ તમામ સંબંધો પર રોક લગાવી દીધી છે. ઇન્ડિયન લેજન્ડ્સની ટીમમાં શિખર ધવન, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના જેવા સ્ટાર ખેલાડીઓ પણ છે, આમાંના ઘણા ખેલાડીઓએ અગાઉથી પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સામે રમવાની એમની અનિચ્છા પ્રગટ કરેલી છે. આ પહેલાં ગ્રુપ-સ્ટેજ મૅચમાં પણ ભારતે પાકિસ્તાન સાથે રમવાની મનાઈ કરી દીધી હતી. ભારતે પોતાની એ જ વાતને ફરી મૂકીને પાકિસ્તાન સાથે ન રમવાનો નિર્ણય કર્યો છે.
ગુરુવારે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની સેમી-ફાઇનલ રમાવાની હતી. સોશ્યલ મીડિયા પર લોકોએ ઇન્ડિયા-ચૅમ્પિયન્સ ટીમના આ નિર્ણયને વધાવ્યો હતો અને કહ્યું હતું કે આતંક અને ક્રિકેટ-મૅચ સાથે-સાથે ન ચાલી શકે.
ભારતની કંપની ઇઝમાયટ્રિપ આ લીગના મુખ્ય સ્પૉન્સર્સમાંની એક કંપની છે. આ કંપનીએ પણ પહેલાંથી જાહેરાત કરી રાખી હતી કે તેઓ આતંકને પ્રમોટ કરતા દેશ સાથે સંબંધોને સામાન્ય કરે એવી કોઈ ઇવેન્ટ સાથે સંકળાઈ શકશે નહીં, તેઓ WCLની ભારત-પાકિસ્તાન મૅચ સાથે જોડાશે નહીં. ભારતે મંગળવારે છેલ્લી ગ્રુપ-મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને માત્ર ૧૩.૨ ઓવરમાં માત આપી દીધી હતી અને સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે આ સમગ્ર લીગ ઇન્ડિયા-ચૅમ્પિયન્સ ટીમ માટે બહુ સારી નથી રહી અને સળંગ બે હાર પછી વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતને વિજય મળ્યો હતો.