News In Short: ‘પુષ્પા’-સ્ટાઇલમાં મહિલા ક્રિકેટરોની આજે ધમાલ

07 May, 2022 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં તેઓ પણ કપિલ અને તેમના સાથીકલાકારો સાથે હસી-મજાકની મહેફિલમાં જોડાશે

સોની એન્ટરટેઇનમેન્ટ ચૅનલ પર આજે રાતે ૯.૩૦ વાગ્યે ‘ધ કપિલ શર્મા શો’માં ‘વિમેન ઇન બ્લુ’ તરીકે જાણીતી ભારતની ટોચની મહિલા ક્રિકેટરો જોવા મળશે. આ સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં તેઓ પણ કપિલ અને તેમના સાથીકલાકારો સાથે હસી-મજાકની મહેફિલમાં જોડાશે. એટલું જ નહીં, આ વર્લ્ડ-ક્લાસ ખેલાડીઓ અભિનેતા અલ્લુ અર્જુનની ‘પુષ્પા’- સ્ટાઇલથી પણ સૌકોઈનું મન મોહી લેશે. આ શોમાં હાજર રહેનારી પ્લેયર્સમાં હરમનપ્રીત કૌર, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, સ્નેહ રાણા, યાસ્તિકા ભાટિયા અને શેફાલી વર્મા સામેલ હશે.

જેબોર ડબ્લ્યુટીએ-૧૦૦૦ની પ્રથમ આરબ ફાઇનલિસ્ટ

ઓન્સ જેબોર વિમેન્સ ટેનિસ અસોસિએશન (ડબ્લ્યુટીએ)-૧૦૦૦ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચેલી પ્રથમ આરબ પ્લેયર બની છે. તેણે મૅડ્રિડ ઓપનમાં આ સિદ્ધિ મેળવી છે. ટ્યુનિશિયાની જેબોરે સેમી ફાઇનલમાં એકાટેરિના ઍલેક્ઝાંડ્રોવાને ૬૧ મિનિટમાં ૬-૨, ૬-૩થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. એ.એન.આઇ.ના અહેવાલ મુજબ જેબોર કુલ મળીને ૬ સ્પર્ધાની ફાઇનલમાં રમી ચૂકી છે, પરંતુ એમાંની એકેય સ્પર્ધા ડબ્લ્યુટીએ-૧૦૦૦ સ્તરની નહોતી.

ચીનની એશિયન ગેમ્સ મોકૂફ

ચીનના હાન્ગઝો શહેરમાં આગામી ૧૦થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારી એશિયન ગેમ્સ કોવિડ-19ના ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં લેતાં અનિશ્ચિત મુદત માટે મુલતવી રાખવામાં આવી છે. ચીનમાં અને ખાસ કરીને શાંઘાઈમાં છેલ્લા થોડા દિવસમાં કોરોના વાઇરસનો ફરી ફેલાવો થતાં આ રમતોત્સવ મોકૂફ રહેશે એવી ધારણા હતી જ. ભારતમાં ઘણા ઍથ્લીટોએ આ ગેમ્સ માટેની પ્રૅક્ટિસ-ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી.

અજાઝ પટેલના ઐતિહાસિક શર્ટની હૉસ્પિટલ માટે હરાજી

ડિસેમ્બરમાં વાનખેડેમાં ભારત સામેની ટેસ્ટના એક દાવમાં દસેદસ વિકેટ લેવાના જિમ લેકર તથા અનિલ કુંબલેના વિશ્વવિક્રમની બરાબરી કરનાર ન્યુ ઝીલૅન્ડનો સ્પિનર અજાઝ પટેલ એ દાવમાં પોતે પહેરેલા શર્ટની હરાજી કરી રહ્યો છે. તે આ શર્ટના ઑક્શનમાંથી મળનારી રકમ ન્યુ ઝીલૅન્ડની બાળકો માટેની હૉસ્પિટલને દાનમાં આપી દેશે. ભારતના એ પ્રવાસની ટેસ્ટ ટીમના દરેક મેમ્બરે એ શર્ટ પર ઑટોગ્રાફ આપ્યા હતા.

sports news indian cricket team cricket news indian womens cricket team the kapil sharma show